અમદાવાદઃ ગુજરાત માટે ગૌરવપૂર્ણ ક્ષણ સર્જાઈ છે, કારણ કે સુરતના ઇચ્છાપોર પોલીસ સ્ટેશનને કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા સમગ્ર દેશમાં શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન તરીકે માન્યતા આપવામાં આવી છે. આ સિદ્ધિ માત્ર સુરત કે ગુજરાત માટે જ નહીં, પરંતુ સમગ્ર દેશમાં ગુજરાત પોલીસની કાર્યક્ષમતા અને પ્રજાસેવા પ્રત્યેની પ્રતિબદ્ધતાને ઉજાગર કરતી એક ઐતિહાસિક ઘટના છે. આ ગૌરવપ્રદ એવોર્ડ ભુવનેશ્વરમાં આયોજિત ડીજીપી સંમેલન દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ઇચ્છાપોર પોલીસ સ્ટેશનને પ્રદાન કરવામાં આવ્યો. આ શ્રેષ્ઠતા માટેના પ્રદાનમાં કાયદો અને વ્યવસ્થાના ક્ષેત્રમાં સ્ટેશનની અનોખી કામગીરી, નવા ઉપાયો, નાગરિક સહયોગ અને આધુનિક ટેકનોલોજીના ઉપયોગને મુખ્ય આધારભૂત ગણવામાં આવ્યા છે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયના મોર્ડનાઇઝેશન વિભાગ દ્વારા હાથ ધરાયેલા સર્વેમાં, ઇચ્છાપોર પોલીસ સ્ટેશન વિવિધ માપદંડો પર શ્રેષ્ઠ ઠર્યું છે,ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતે પણ પોલીસ ટીમને અભિનંદન પાઠવ્યા હતા. ઇચ્છાપોર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટ એ.સી. ગોહિલે ગૌરવની ક્ષણ પર ભાવુક થઈને જણાવ્યું કે, “આ એવોર્ડ માત્ર મારો કે મારી ટીમનો નથી, પરંતુ સમગ્ર ગુજરાત પોલીસના નિષ્ઠાવાન અને પ્રતિબદ્ધ કાર્યનું પ્રતિબિંબ છે. આ સિદ્ધિએ સાબિત કરી દીધું છે કે, કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સમાજ અને પોલીસ વચ્ચેનો સહયોગ કેટલો મહત્વપૂર્ણ છે. અમે જે ટેકનિકલ આધુનિકતા, નાગરિક સહકાર અને પ્રજાસેવાના ભાવ સાથે કામ કર્યું છે, તે જ આ પ્રદાન માટેનું મૂળ કારણ છે.”

પીઆઇ ગોહિલે વધુમાં જણાવ્યું કે, રાજ્ય સરકારશ્રીની ‘ત્રણ વાત અમારી, ત્રણ વાત તમારી’ પહેલે નાગરિકોમાં જાગૃતિ લાવવાનો જે અભિગમ અપનાવ્યો છે, તે સફળતાનું મુખ્ય સ્તંભ છે. “આ પહેલને અમલમાં મૂકતા, નાગરિકો અને પોલીસ વચ્ચેનું અંતર ઘટ્યું છે અને લોકસહકારથી અમે વધુ પ્રભાવશાળી રીતે કામ કરી શક્યા છીએ. આ એવોર્ડ માત્ર ઇચ્છાપોર પોલીસ સ્ટેશન માટે જ ગૌરવ છે, એવું નહિ પરંતુ ગુજરાત પોલીસ તંત્ર માટે એક ઉત્સાહક પ્રેરણારૂપ છે. “આ સિદ્ધિ માત્ર સન્માન માટે નથી, પરંતુ ભવિષ્યમાં પણ નાગરિકોની સુરક્ષા માટે વધુ ઉત્સાહથી કામ કરવાની પ્રેરણા છે,” આ સિદ્ધિએ પોલીસ અને નાગરિકોની સંયુક્ત શક્તિઓને ઉજાગર કરી છે, અને આમાં ગુજરાતના પોલીસ તંત્રના આધુનિક અભિગમનું એક શાનદાર પ્રતિબિંબ જોવા મળે છે.

ગુજરાત માટે ગૌરવની વાત છે, એમ કહેતા પીઆઇએ ઉમેર્યું કે, “૨૦૧૯ પછી આ પહેલીવાર છે કે ગુજરાતના કોઈ પોલીસ મથકે શ્રેષ્ઠ પોલીસ મથક તરીકે રાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત કર્યું છે. આ માત્ર ઇચ્છાપોર પોલીસ સ્ટેશન માટે જ નહીં, પરંતુ સમગ્ર રાજ્ય માટે એક પ્રેરણાદાયક ક્ષણ છે, જે ગુજરાત પોલીસની કાર્યક્ષમતા અને જનસેવા પ્રત્યેની પ્રતિબદ્ધતાને ઉજાગર કરે છે.” આ પ્રતિષ્ઠિત એવોર્ડ સાથે, ઇચ્છાપોર પોલીસ સ્ટેશન નાગરિક સુરક્ષા મજબૂત બનાવવા અને પ્રજાજનો સાથેના સંબંધોને વધુ સુદ્રઢ કરવા માટે પ્રતિબદ્ધ છે. ડિજિટલીકરણમાં વધારો, આધુનિક ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ અને જનજાગૃતિ કાર્યક્રમોની યોજનાઓ સ્ટેશનના ભવિષ્યના મુખ્ય લક્ષ્યોમાં સામેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here