ગાંધીનગરઃ વિધાનસભા ગૃહમાં રાજકોટની ખાનગી મેટરનીટી હોમમાં મહિલા દર્દીઓની સારવારના સી.સી.ટી.વી. વિડીયો વાયરલ થવાની ઘટના સંદર્ભે જાહેર અગત્યની બાબત પર જવાબ આપતા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ હતું કે, આ સમગ્ર ઘટનામાં જે પ્રારંભિક બાબત સામે આવી હતી તે મુજબ હોસ્પિટલના સંચાલકો અને બે-ચાર કર્મચારીઓની સામે ગુનો દાખલ કરીને તેમની ધરપકડ કરી પોલીસ સરળતાથી ફાઇલ ક્લોઝ કરી શકતી હતી. પરંતુ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં આપણી ગુજરાત પોલીસ ક્યારેય નિર્દોષને પકડીને ફાઇલ ક્લોઝ કરતી નથી.

મંત્રીએ જણાવ્યું કે,  આપણી પોલીસે આ બાબતને ખુબ જ ગંભીરતાથી લઇને બારીકાઇથી તપાસ શરૂ કરી ત્યારે બહાર આવ્યુ કે, આ તો ખુબ મોટુ નેટવર્ક છે. ઈન્ટરનેટની મદદથી સુરક્ષા અને સર્વેલન્સના આ યુગમાં લાખો સી.સી.ટી.વી. લાગેલા હોય છે ત્યારે આ હેકર્સ દેશના હજારો કેમેરાઓ હેક કરીને એક દેશ વ્યાપી ષડયંત્ર કરે તે પહેલા જ આપણી ગુજરાત પોલીસે આ રેકેટના મુળ સુધી પહોંચીને મુખ્ય સુત્રધારોને પકડીને આ ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે.

ટેક્નોલોજીના આ યુગમાં સામાન્ય બેદરકારી પણ બહુ મોટુ નુક્શાન કરી શકે છે ત્યારે સીસીટીવી કેમેરા સાથે જોડેલા વાઇફાઇનો ઓપન કે વીક પાસવર્ડ તથા નબળા સિક્યુરીટી સેટીંગ હેકર્સ માટે વિડીયો હેક કરવા આસાન કરી દે છે. ટેક્નોલોજીની કેટલીક એરરનો આવા તત્વો લાભ લેતા હોય છે. ગુજરાત પોલીસ દ્વારા આ બાબતે સતત અવેરનેસ ફેલાવવામાં આવતી હોય છે, પ્રજાના સૌ પ્રતિનિધિઓને પણ આ અવેરનેસ કાર્યમાં જોડાવવા મંત્રીએ અપીલ કરી હતી. 

મંત્રી હર્ષ સંઘવીએ ઘટનાક્રમની વિગતો આપતા કહ્યુ હતું કે, તા.17મી ફેબ્રુઆરી-2025ના રોજ સાંજે ટેલિગ્રામ ગ્રુપમાં કોઇ હોસ્પીટલ, રૂમના સ્ત્રી દર્દીના ઇંજેકશન અને એકઝામીનેશનને લગતા વિડીયો અપલોડ થયાની બાબત ધ્યાને આવતા મહિલાઓની સુરક્ષાની ગંભીરતા લઇને તાત્કાલિક અમદાવાદ શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં સામેથી પોલીસે ફરીયાદી બનીને એફ આઇ આર દાખલ કરી હતી. તપાસમાં રાજકોટનો બનાવ હોવાની બાબત ધ્યાને આવતા ટીમ મોકલીને તાત્કાલીક એનાલીસીસ કરાવી લેવાયુ. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here