રાજકોટઃ સાળંગપુરધામમાં કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે તારીખ 11 અને 12 એપ્રિલ-2025ને શુક્રવાર-શનિવારના રોજ શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીની પ્રેરણાથી એવં કોઠારી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી દાદાના દરબારમાં હનુમાન જયંતી મહોત્સવ ભવ્યાતિભવ્ય ઉજવણી થશે.
પંચમુખી હનુમાનજીની ભવ્ય શોભાયાત્રા નીકળશે
હનુમાન જયંતિના પાવન પ્રસંગે તારીખ 11મીએ સવારે 7.30 કલાકે રાજોપચાર પૂજન કરવામાં આવશે. જેમાં 1008 કિલો પુષ્પોથી કષ્ટભંજનદેવનો ભવ્ય અભિષેક કરવામાં આવશે. બપોરે 4 કલાકે કળશ યાત્રા યોજાશે. જેમાં 4 હાથીની સવારી ઉપર ઠાકોરજી બિરાજમાન થશે. હજારો બહેનો ભક્તો દાદા માટે અભિષેકનું જળ મસ્તક પર ધારણ કરશે. 251 પુરૂષ-મહિલા ભક્તો સાફા ધારણ કરીને દાદાને રાજી કરશે. 108 બાળકો દાદાના વિજયી ધ્વજને લહેરાવશે. આ તકે આફ્રિકન સીદી ડાન્સ જબરદસ્ત આકર્ષણ જમાવશે. આ ઉપરાંત ડી. જે. નાસિક ઢોલ, બેન્ડવાજા વગેરે સંગીતની ટીમો ભક્તોને મંત્રમુગ્ધ કરશે. આ તકે 251 કિલો પુષ્પ અને 25,000 ચોકલેટો સંતો દ્વારા દર્શનાર્થીઓને વધાવવામાં આવશે.
11મીએ કિંગ ઓફ સાળંગપુર ખાતે સમુહ આરતી, આતશબાજી અને લાઇવ કોન્સર્ટનું આયોજન
11 એપ્રિલ શુક્રવારે રાત્રે 8.30 કલાકે કિંગ ઓફ સાળંગપુરની સમૂહ આરતી યોજાશે. જેમાં હજારો દિવડાઓથી કિંગ ઓફ સાળંગપુરની સંતો અને ભક્તોની ઉપસ્થિતિમાં આરતી થશે અને ઐતિહાસિક આતશબાજીથી દાદાનું સ્વાગત કરાશે. રાત્રે 9 કલાકે ખ્યાતનામ કલાકાર જીગરદાન ગઢવી દ્વારા ડાન્સ વીથ ભક્તિ સંગીતનો કાર્યક્રમ યોજાશે અને કિંગ ઓફ સાળંગપુરના સાનિધ્યમાં ભક્તિ સંગીતનો લાઈવ કોન્સર્ટ યોજાશે.
સમૂહ મહાસંધ્યા આરતી, અન્નકૂટ, અભિષેક, કલશ યાત્રા તેમજ આતશબાજી સહિતના કાર્યક્રમોનું આયોજન
12 એપ્રિલ 2025ના રોજ ચૈત્ર સુદ પૂર્ણિમા અને શનિવારનો મહાસંગમ એટલે હનુમાન જયંતી. સાળંગપુરમાં કષ્ટભંજન દેવ મંદિરમાં હનુમાનજી મહારાજનો ભવ્ય જન્મોત્સવ ઉજવાશે. દાદાની અમાપ કૃપાથી સંસારમાં આધિ, વ્યાધિ અને ઉપાધિથી મુક્ત થયેલા હજારો ભક્તો હનુમાન જયંતિના પવિત્ર પ્રસંગમાં પધારશે. 54 ફૂટના કિંગ ઓફ સાળંગપુર મૂર્તિની ભવ્ય સમૂહ આરતી. ભવ્ય રાજોપચાર, અન્નકૂટ અને મહાસંધ્યા આરતી જેવા અનેક પ્રસંગોમાં આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ એવં હરિપ્રકાશદાસજી સ્વામી અને વડીલ સંતોના આશીર્વાદ પ્રાપ્ત થશે. જે માટે મંદિરના સંતો દ્વારા વિશેષ તૈયારીઓ કરી લેવામાં આવી છે. તેથી દર્શનાર્થીઓને મુશ્કેલી ના થાય તે માટે મંદિર પરિસરમાં રહેવા તથા જમવાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. વિશાળ પાર્કિંગ એરિયા બનાવવામાં આવ્યા છે. દાદાના જન્મોત્સવની રંગેચંગે ઉજવણી થાય એ માટે અહીં બે દિવસ સુધી વિવિધ કાર્યક્રમો પણ યોજાશે.