અમદાવાદઃ રાજ્યમાં શિક્ષિત બેકારોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. કારકૂન કે લોકરક્ષકની પરીક્ષામાં પણ લાખોની સંખ્યામાં ઉમેદવારો નોંધાતા હોય છે. વિદ્યાસહાયકો અને શિક્ષણ સહાયકોની ભરતીમાં પણ ટેટ અને ટાટ ઉતિર્ણ થયેલાને પણ નોકરી મળતી નથી. ત્યારે આવી સ્થિતિમાં ગુજરાત સરકાર દ્વારા શિક્ષકોની ભરતીમાં પરપ્રાંતના યુવાનોની ભરતી કરવામાં આવતી હોવાથી શાળા સંચાલક મંડળે તેનો વિરોધ કર્યો છે. ગુજરાતના જ વતની હોય અને ગુજરાતની યુનિવર્સિટીઓમાં અભ્યાસ કર્યો હોય તેવા શિક્ષકોની ભરતી કરવા માટેની માગણી કરવામાં આવી છે.
ગુજરાતમાં છેલ્લાં કેટલાંક વર્ષથી અંગ્રેજી, હિન્દી અને અન્ય ભાષાની સ્કૂલો શરૂ થઇ છે. આ સ્કૂલોમાં પણ ગુજરાતના જ વતની હોય અને ગુજરાતની યુનિવર્સિટીઓમાં અભ્યાસ કર્યો હોય તેવા શિક્ષકોની ભરતી કરવા માટેની માગણી રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા મુખ્યમંત્રી સમક્ષ કરવામાં આવી છે. પરપ્રાંતિયોને કારણે ગુજરાતના શિક્ષકોને સરકારી નોકરી માટે વલખાં મારવાની સ્થિતિ સર્જાઈ છે. આ અંગે શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલ દ્વારા મુખ્યમંત્રીને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, ગુજરાતની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં પણ બહારના રાજ્યોમાંથી શૈક્ષણિક લાયકાત મેળવેલા શિક્ષકો નોકરીએ લાગી ગયા છે. એક સરવે મુજબ આવી શાળાઓમાં 35 ટકા જેટલા શિક્ષકો અન્ય રાજ્યોના વતનીઓ અને ત્યાંની યુનિવર્સિટીઓમાં ભણેલા શિક્ષકો છે. જે અમારી દૃષ્ટિએ ગુજરાતમાં જન્મેલા અને ગુજરાતમાં અભ્યાસ કરીને તાલીમી સ્નાતક બનેલા ઉમેદવારો માટે લાલબત્તી સમાન છે. આ સ્થિતિમાં ગુજરાતના તાલીમી સ્નાતકો અને અનુસ્નાતકો ગ્રાન્ટેડ તેમજ સરકારી નોકરી મેળવવા માટે વલખાં મારી રહ્યાં છે. આ બાબતે ગંભીરતાથી વિચારવાનો સમય પાકી ગયો છે.
તેમણે જણાવ્યું હતું કે, રાજસ્થાન સહિતનાં અન્ય રાજ્યો તો શિક્ષકની નોકરી માટે આ પ્રકારની જોગવાઇઓ છે, જેનો અમલ ગુજરાતમાં પણ થવો જોઇએ.