અમદાવાદઃ ગુજરાતની સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયકોની ભરતી બાદ ખાલી રહેતી જગ્યાઓ પર નિવૃત શિક્ષકોની સેવા લેવાનો શિક્ષણ વિભાગે નિર્ણય કર્યો છે. શિક્ષકોની ખાલી જગ્યાને લીધે બાળકોનું શિક્ષણ બગડે નહીં તે માટે કામચાલાઉ પુરતો આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું કહેવાય છે.
શિક્ષણ વિભાગના સૂત્રોમાંથી મળેલી વિગતો મુજબ રાજ્યની ગ્રાન્ટેડ અને સરકારી શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યા પર હવે નિવૃત્ત શિક્ષકો સેવા લેવામાં આવશે. શિક્ષકોની કાયમી ભરતી અને જ્ઞાન સહાયકની નિમણૂંક બાદ ખાલી જગ્યાઓ પર નિવૃત્ત શિક્ષકોની ભરતી કરાશે. ધોરણ. 9થી 12માં શિક્ષકોની ઘટ નિવારવા વચગાળાની વ્યવસ્થા કરવામાં આવી છે. નિવૃત્ત શિક્ષકોની વય 65 વર્ષથી વધુ ન હોવી જોઈએ. નિવૃત શિક્ષકોને જ્ઞાન સહાયકને ચૂકવાતા માનદ વેતન જેટલું વેતન ચૂકવાશે.
રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની નિયમિત ભરતી તથા જ્ઞાન સહાયકોની નિમણૂક થયા બાદ પણ ખાલી રહેતી જગ્યાઓ પર વચગાળાની વ્યવસ્થા તરીકે નિવૃત્ત શિક્ષકોને કામગીરી સોંપવાની બાબતને મંત્રી (પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ) એ મંજૂરી આપી છે.