પ્રાચીન શાસ્ત્રો અનુસાર, આજનું પવિત્ર પ્રભાસ તીર્થ એ દિવ્ય ક્ષેત્ર છે. જ્યાં કાળગતિમાં “દ્વાદશ આદિત્યો” એટલે કે 12 સૂર્યમંદિરોનું તેજસ્વી અને ઐતિહાસિક વિભવ દૈદીપ્યમાન હતો. તે સૂર્ય ઉપાસના પરંપરા અને વિજ્ઞાનીક ચેતનાનો કેન્દ્ર રહી ચૂકેલું છે. તે જ કારણે આ તીર્થને શાસ્ત્રોમાં “પ્રભાસ” નામ આપવામાં આવ્યું છે, જ્યા પ્રકાશે બધું ઝગમગાય છે.
આજના વિશેષ પ્રસંગે, શ્રી સોમનાથ જ્યોતિર્લિંગને ચંદન તથા પુષ્પોથી નિર્મિત સૂર્યપ્રતિકૃતિથી અલંકૃત કરવામાં આવ્યા હતા. 100 કિલોથી વધુ ગુલાબ, ગલગોટા અને વિવિધ પવિત્ર ફૂલો વડે આ શુભ શૃંગાર સર્જાયો હતો.
આ દૃશ્ય માત્ર દ્રશ્યસૌંદર્ય પૂરતું નહોતું, પણ તેનું શાસ્ત્રીય મહત્વ પણ ઊંડું છે.
અથર્વવેદ અને સૂર્યોપનિષદ મુજબ “સૂર્ય પર બ્રહ્મનું સ્વરૂપ છે” અને તેનું તેજ અગિયાર હજાર કિરણો દ્વારા સૃષ્ટિને જીવન આપે છે. પરંતુ આ તેજ શક્તિનું મૂળ પણ શિવ છે — જેઓ પ્રકાશના આધાર છે અને અંધકારના સ્વામી છે.
શાસ્ત્રો કહે છે કે “શિવત્વ વગર ન તો જીવનનું સ્પંદન છે, ન ચેતનાનો ઉદય”.
જે રીતે સૂર્ય અંધકાર દૂર કરે છે, એ જ રીતે શિવ અવિદ્યાનું, અભિમાનનું અને માયાનો અંત કરે છે.
આ શ્રૃંગાર છે શિવ અને સૂર્ય વચ્ચેના શાશ્વત તત્વનો. પ્રભાસ ક્ષેત્રે આવનાર યાત્રિકો માટે શ્રૃંગાર અમૂલ્ય અનુભૂતિ રહ્યો. ચાલો, આપણે પણ સૌમ્ય પ્રકાશ સ્વરૂપ સૂર્ય અને શિવના તત્વનું ધ્યાન કરીને, આપણા આંતરિક અંધકારનો નાશ કરીએ.