ગાંધીનગરઃ શ્રાવણ માસ નિમિત્તે શિવ આરાધનાનું વિશેષ મહત્વ છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે ધોળેશ્વર મહાદેવજીના દર્શન કરીને પોતાના દિવસના કામકાજની શરૂઆત કરી હતી. મુખ્યમંત્રીએ ભગવાન ભોળાનાથના દર્શન પૂજન કરીને સૌ નાગરિકોની શાંતિ, સુખાકારી અને રાજ્યની પ્રગતિ માટે પ્રાર્થના કરી હતી.તેમણે ધોળેશ્વર મહાદેવના મહંત રામસ્વરૂપ પુરીજી સાથે મંદિર પરિસરમાં મુલાકાત કરીને તેમના આશીર્વાદ મેળવ્યા હતા અને દર્શનાર્થીઓનું અભિવાદન પણ ઝીલ્યું હતું.ગાંધીનગરના મેયર મીરાં બહેન પટેલે પણ આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા.

પવિત્ર શ્રાવણ માસના પહેલા સોમવારે આજે સવારથી શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરના દ્વાર આજે સવારે ચાર વાગ્યે ખોલવામાં આવ્યા. ત્યારે દર્શન માટે ભક્તોની લાંબી કતાર જોવા મળી.સોમનાથ મહાદેવને દરરોજની જેમ આજે પણ બિલિપત્રનો વિશેષ શણગાર કરાશે. સોમનાથ મંદિરે પગપાળા દૂરથી આવતા ભક્તો માટે સેવાભાવી લોકો દ્વારા નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી છે.બીજી તરફ, ભક્તોને મુશ્કેલી ન પડે તે માટે 24 કલાક સફાઈ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

આજે પવિત્ર શ્રાવણ માસનો પ્રથમ સોમવાર છે, રાજ્યના વિવિધ શિવ મંદિરોમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મહાદેવના દર્શન કરવા માટે પુરી આસ્થા સાથે ઉમટી પડ્યાં છે. ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ ગણાતા સોમનાથમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યાં છે. વહેલી સવારથી ભાવિકોની લાંબી કતાર મંદિર પરિસર બહાર જોવા મળી હતી. શ્રદ્ધાળુઓને કોઈ અગવડ ન પડે તે માટે મંદિર ટ્રસ્ટ અને વહિવટી તંત્ર દ્વારા તમામ જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે. વહેલી સવારે મંદિર દ્વાર ખુલતા જ મોટી સંખ્યામા શ્રદ્ધાળુઓએ સોમનાથ દાદાના દર્શન કર્યા હતા અને ભગવાન ભોળાનાથ વિશેષ શૃંગાર કરવામા આવ્યો હતો અને વિશેષ પૂજા આરતી કરવામાં આવી હતી. રાજકોટમાં પણ શ્રાવણ મહિનાના પ્રથમ સોમવાર નિમિત્તે ભક્તોએ ધર્મેશ્વર મહાદેવ મંદિરમાં પૂજા અર્ચના કરીને ભગવાન ભોળાનાથના દર્શન કર્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here