અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની વિસાવદર અને કડી બેઠકની પેટાચૂંટણી 19મી જુનો યોજાશે, આ ચૂંટણી માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. વિસાવદરની બેઠક માટે ચૂંટણી જાહેર થયા પહેલા આમ આદમી પાર્ટીએ ઉમેદવાર તરીકે ગોપાલ ઈટાલિયાને મેદાનમાં ઉતાર્યા છે. બન્ને બેઠકો પર ત્રિપાંખિયો જંગ ખેલાશે. આમ આદમી પાર્ટીમાંથી ધારાસભ્યપદેથી રાજીનામું આપીને ભાજપમાં આવેલા ભૂપત ભાયાણીને ભાજપ ટિકિટ આપે તેવી શક્યતા છે. જોકે ભાજપ કોંગ્રેસમાં હાલ જો અને તો ચાલી રહ્યું છે. એકાદ સપ્તાહમાં ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવશે.
ભાજપે વિસાવદર અને કડી બેઠક માટે ચૂંટણી પ્રભારી અને સંયોજકના નામની જાહેરાત કરી દીધા છે , જેમાં વિસાવદર બેઠક ઉપર રાજકોટ શહેરના પૂર્વ પ્રમુખ કમલેશ મિરાણી અને ધારાસભ્ય જયેશ રાદડિયા પ્રભારી તરીકે નિયુક્તિ કરી છે. જ્યારે ભરત વડાલીયા સંયોજક તરીકે જવાબદારી સોંપાઈ છે. નરેન્દ્ર કોટીલાને સહ સંયોજક તરીકેની જવાબદારી સોંપી છે. આ ઉપરાંત કડી બેઠક ઉપર પૂર્વ ધારાસભ્ય મણિનગર સુરેશ પટેલને પ્રભારી બનાવાયા છે. પાટણ જિલ્લાના પૂર્વ પ્રમુખ દર્શનભાઈ ઠાકોર પણ પ્રભારી બનાવાયા છે. સંયોજક તરીકે વિનોદ પટેલને જવાબદારી સોંપાઈ. સહસંયોજક તરીકે હિમાંશુ ખમારને જવાબદારી સોંપવામાં આવી છે.
કોંગ્રેસ દ્વારા વિસાવદરની માટે પરેશ ધાણાની, ઈન્દ્રનીલ રાજ્યગુરુ, વશરામ સાગઠિયા અને પૂંજા વંશની પ્રભારી તરીકે નિમણૂંક કરવામાં આવી છે. જ્યારે કડી માટે ગેનીબેન ઠાકોર, જિગ્નેશ મેવાણી, પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ અને માલધારી નેતા રઘુ દેસાઈની પ્રભારી તરીકે નિમણૂંક કરવામાં આવી છે. જો કે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પ્રદેશ નેતાગીરીએ કડી વિધાનસભા માટે સોંપેલી જવાબદારી સ્વીકારવાનો ઈન્કાર કરીને કોંગ્રેસને મોટો ઝટકો આપ્યો છે.
રાજ્યમાં કડી અને વિસાવદર એમ બે વિધાનસભા સીટ પર પેટાચૂટણી જાહેર થઈ છે. 19 જૂને આ બન્ને સીટ પર મતદાન યોજાશે, જ્યારે 23મીએ પરિણામ આવશે. ચૂંટણીને વધારે દિવસો બાકી નથી ત્યારે બન્ને બેઠકો પર તમામ પક્ષોમાંથી દાવેદારીની હોડ લાગી છે. બીજી જૂન ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ છે. આગામી ચાર-પાંચ દિવસમાં પક્ષો પોતપોતાના ઉમેદવારોની જાહેરાત કરશે એ નક્કી છે.