અમદાવાદઃ દર વર્ષે 22 માર્ચનો દિવસ ‘વિશ્વ જળ દિવસ’ તરીકે મનાવવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર કરાયેલા આ દિવસ નિમિત્તે ગુજરાતના જળ સંરક્ષણ અને જળ વ્યવસ્થાપન મૉડેલ અંગે પણ ચર્ચા કરવી જરૂરી છે. 196 લાખ હેક્ટરનો વિસ્તાર ધરાવતા આ રાજ્યએ છેલ્લા અઢી દાયકામાં પોતાની દૂરંદેશી યોજનાઓ દ્વારા જળ સંકટને અવસરમાં પરિવર્તિત કરીને જળ સુરક્ષા, કૃષિ સમૃદ્ધિ અને રોજગારીનું સર્જન સુનિશ્ચિત કર્યું છે.
ગુજરાતની આ અવિશ્વસનીય જળ સમૃદ્ધિ યાત્રાના મુખ્ય સૂત્રધાર છે નરેન્દ્ર મોદી, જેમણે લગભગ દોઢ દાયકા સુધી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ગુજરાતમાં જળ સંરક્ષણ અને તેના સંવર્ધનની દશા અને દિશા બદલી નાખી. આજે ગુજરાતે 70 લાખ હેક્ટરની સિંચાઈ ક્ષમતામાંથી 61.32 લાખ હેક્ટરનો કાર્યક્ષમ ઉપયોગ કરી લીધો છે. આ ઉપરાંત, 1,87,403 ચેક ડૅમના નિર્માણથી ભૂગર્ભજળ રિચાર્જ અને ટકાઉ પાણી પુરવઠો સુનિશ્ચિત થયો છે.
જળ વ્યવસ્થાપનમાં ગુજરાતની આ સફળતાની નોંધ રાષ્ટ્રીય સ્તરે પણ લેવાઈ હતી, જ્યારે ઑક્ટોબર 2024માં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ ‘રાષ્ટ્રીય જળ પુરસ્કાર’ સમારોહમાં ગુજરાતને ઉત્કૃષ્ટ જળ વ્યવસ્થાપન માટે સન્માનિત કર્યું હતું.
સરદાર સરોવર યોજના બની ગુજરાતની જીવાદોરી
ગુજરાતના જળ વ્યવસ્થાપનમાં સૌથી મહત્વપૂર્ણ છે સરદાર સરોવર યોજના, જે આજે રાજ્યની જીવાદોરી બની ગઈ છે. આ એક પ્રોજેક્ટથી સમગ્ર ગુજરાતમાં પાણી પુરવઠા અને સિંચાઈમાં ક્રાંતિ આવી છે. 163 મીટર ઊંચા આ એક બંધથી ગુજરાતના 17 જિલ્લાઓના 3173 ગામોમાં લગભગ 18 લાખ હેક્ટર ખેતીલાયક જમીનને સિંચાઈની સુવિધા પૂરી પાડવાની યોજના છે અને હાલમાં 30 જિલ્લાઓના 10,453 ગામડાઓ અને 183 શહેરોને પીવાના પાણીની સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે.