ગાંધીનગરઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું છે કે, આજે વિશ્વ આતંકવાદ, સંઘર્ષ અને યુદ્ધની આગમાં સળગી રહ્યું છે, આખું વિશ્વ બારુદના ઢગ પર બેઠું છે. વિશ્વની આ તમામ ભયાનક સમસ્યાઓનો અસરકારક ઉકેલ વેદોમાં છે.
જમ્મુની શેર-એ-કાશ્મીર યુનિવર્સિટીના બાબા જીત્તો ઓડિટોરિયમમાં આર્ય સમાજના સ્થાપક મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની 200મી જન્મજયંતિ અને આર્ય સમાજની 150મી વર્ષગાંઠ નિમિત્તે જમ્મુ અને કાશ્મીરની આર્ય પ્રતિનિધિ સભા દ્વારા ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં બોલતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, આપણા બધા માટે ગર્વની વાત છે કે, છેલ્લા બે વર્ષથી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશભરમાં આર્ય સમાજ સંબંધિત કાર્યક્રમોની શ્રેણી શરૂ થઈ છે. રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ સહિત અનેક મહાનુભાવોએ આ કાર્યક્રમોમાં ભાગ લીધો છે. આ કાર્યક્રમો આર્ય પ્રતિનિધિ સભાઓ અને સર્વદેશી પ્રતિનિધિ સભાઓ દ્વારા આયોજિત કરવામાં આવી રહ્યા છે, જે વૈદિક માર્ગને અનુસરનારાઓમાં નવી ઉર્જાનો સંચાર કરી રહ્યા છે.
તેમણે કહ્યું કે, જ્યારે સ્વામી દયાનંદ સરસ્વતીજીનો જન્મ થયો ત્યારે દેશની વસ્તી લગભગ 33 કરોડ હતી. તે સમયે તેમણે એકલા હાથે રૂઢિચુસ્તતા, અંધશ્રદ્ધા, આડંબર અને પાખંડ સામે ચળવળ શરૂ કરી હતી. તે સમયે વેદ પર ધૂળ જામેલી હતી, જેને સ્વામી દયાનંદજીએ દૂર કરી અને માનવતાને ફરીથી વેદોનો પરિચય કરાવ્યો. તેમના કાર્યના પરિણામે, ગુરુદત્ત વિદ્યાર્થી, સ્વામી શ્રદ્ધાનંદ, પંડિત લેખરામ જેવા તેજસ્વી વૈચારિક યોદ્ધાઓની નવી પેઢી પેદા થઈ હતી.
રાજ્યપાલએ કહ્યું કે, આજે દુનિયામાં એવી વિચારસરણી વધી રહી છે કે ફક્ત આપણો અભિપ્રાય જ સાચો છે, બાકીના બધા ખોટા છે. આ સંકુચિત માનસિકતા વૈશ્વિક સંઘર્ષોનું મૂળ બની ગઈ છે. વેદ કોઈ ચોક્કસ લોકો માટે નહીં, પરંતુ સમગ્ર માનવજાતના કલ્યાણ માટે છે અને આ વેદોનો પરિચય કરાવનાર મહાપુરુષ મહર્ષિ દયાનંદ હતા.