સુરતઃ સુરત મહાનગરપાલિકા, ડ્રીમ સિટીના રૂ.૩૫૨ કરોડના વિવિધ જનહિતલક્ષી પ્રકલ્પોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ‘વિકસિત ભારત માટે ગુજરાત’ અને ‘વિકસિત ગુજરાત માટે સુરત’ નેતૃત્વ લેશે. રાજ્યના અર્થતંત્રને મજબૂતી આપવામાં સુરતનું અપ્રતિમ યોગદાન છે એટલે જ સુરત માટે જરૂરી એક પણ વિકાસકાર્ય બાકી ન રહે તેવું આયોજન અમે આગામી બજેટમાં કર્યું છે. વિકસિત ભારત માટે ગુજરાત અને વિકસિત ગુજરાત માટે સુરત નેતૃત્વ લેશે.
નાણા, ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ, શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાની વિશેષ ઉપસ્થિતિમાં મુખ્યમંત્રીએ સુરત મનપાની ૧૮ સુમન શાળાઓમાં ઈનોવેટિવ એજ્યુકેશન આપવાના હેતુથી નિર્મિત રોબોટિક લેબ્સનું પણ લોકાર્પણ કર્યું હતું.
સુરતમાં વધી રહેલી વસ્તી અને ટ્રાફિકના કારણે માસ ટ્રાન્સપોર્ટેશનની જરૂરિયાત વધી છે, ત્યારે શહેરને સસ્ટેનેબલ અર્બન મોબિલિટીને વધુ સક્ષમ, સુદ્રઢ બનાવવા માટે સુરત ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં જર્મન સરકારની કંપની GIZ અને સુરત મનપા વચ્ચે એમઓયુ કરવામાં આવ્યા હતા.
સુરતના અઠવાલાઈન્સ સ્થિત કૃષ્ણકુંજ પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલા સમારોહને સંબોધન કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું હતું કે, શહેરો-નગરોનો સમગ્રતયા વિકાસ થાય તે રાજય સરકારની પ્રાથમિકતા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘વિકાસ ભી, વિરાસત ભી’ ધ્યેયમંત્રને સાકાર કરવાની નેમ સાથે આપણા ગૌરવશાળી વારસાનું જતન કરવા ઉપરાંત ‘ઈઝ ઓફ લિવિંગ’ અને વિકાસને પણ તેજ ગતિ આપી છે.