નવી દિલ્હીઃ ભારત સરકારના યુવા બાબતો અને રમતગમત મંત્રાલયના યુવા બાબતોનો વિભાગ દ્વારા ગુજરાતના ગાંધીનગરમાં BIMSTEC યુવા સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા આ કાર્યક્રમનું ઔપચારિક ઉદ્ઘાટન કર્યું. જેમાં BIMSTEC યૂથ સમિટનો શુભારંભ થયો. BIMSTEC યુવા શિખર સંમેલનનો શુભારંભ કરાવતા કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, વર્ષ 1997માં BIMSTECની રચના થઈ ત્યારથી અમે ઘણી લાંબી મજલ કાપી છે. BIMSTEC ક્ષેત્રમાં આશરે 1.8 અબજ લોકો વસે છે, જે વૈશ્વિક વસતિના લગભગ 22 ટકા અને સંયુક્ત જીડીપી 4.5 ટ્રિલિયન ડોલર ધરાવે છે. તે માત્ર પ્રાદેશિક જૂથ જ નથી, પરંતુ તે આર્થિક સમૃદ્ધિ, સુરક્ષા અને સ્થાયી વિકાસ માટે એક સહિયારું વિઝન છે. વર્ષ 2018માં કાઠમંડુમાં ચોથી BIMSTEC સમિટ યોજાઈ હતી, જેમાં ભારતનાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ BIMSTECનાં માળખાની અંદર યુવાનોનાં જોડાણની કલ્પના કરી હતી, જે આ જ સમિટની શરૂઆત તરફ દોરી જશે.
ડૉ. મનસુખ માંડવિયાએ વધુમાં જણાવ્યું કે, આ શિખર સંમેલન સમગ્ર BIMSTEC દેશોમાં યુવા માનસને સશક્ત બનાવવાની દિશામાં એક પગલું છે. સહયોગને પ્રોત્સાહન આપવું, અનુભવોનું આદાન-પ્રદાન કરવું અને સમગ્ર પ્રદેશમાં યુવાનોની આગેવાની હેઠળના વિકાસને વેગ આપવો તેનો મુખ્ય ઉદ્દેશ્ય છે.
કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, આ વર્ષની સમિટની થીમ “યુથ બ્રીજ ફોર ઇન્ટ્રા-બિમ્સ્ટેક એક્સચેન્જ” સમયસર અને મહત્ત્વપૂર્ણ છે. BIMSTEC યુથ બ્રિજ મારફતે પરિવર્તનકારી પ્લેટફોર્મની કલ્પના કરે છે, જે ગતિશીલ, બહુ-ક્ષેત્રીય પ્રાદેશિક યુવા ઇકોસિસ્ટમનું નિર્માણ કરવા પરંપરાગત સાંસ્કૃતિક અને શૈક્ષણિક આદાનપ્રદાનથી આગળ વધશે. તેમણે કહ્યું કે, ઉદ્યોગસાહસિકતા, રમતગમત, શૈક્ષણિક સંસ્થાઓ અને ટેકનોલોજીને સંકલિત કરીને આ પહેલ ભવિષ્ય માટે તૈયાર નેટવર્ક ઊભું કરશે, જે BIMSTECનાં તમામ દેશોમાં યુવાન નેતાઓને સશક્ત બનાવશે.
કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ જણાવ્યું, વર્ષ 2036ના ઓલિમ્પિક માટે ભારતની દાવેદારી BIMSTEC સ્પોર્ટિંગ ઇકોસિસ્ટમને વધુ મજબૂત કરશે, વૈશ્વિક સ્તરે રોકાણ આકર્ષિત કરશે, તાલીમ સુવિધાઓમાં વધારો કરશે અને આંતરરાષ્ટ્રીય રમતગમત ભાગીદારીને પ્રોત્સાહન આપશે. તેનાથી યુવા રમતવીરો માટે નવા માર્ગો ખુલશે, ઉત્કૃષ્ટતાને પ્રોત્સાહન મળશે અને રમતગમતમાં પ્રાદેશિક સહયોગ સ્થાપિત થશે.