અમદાવાદઃ રાજ્યભરમાં છેલ્લા એક સપ્તાહથી વરસાદી માહોલ સર્જાયો છે. મોટાભાગના વિસ્તારોમાં સમયાંતરે વરસાદી ઝાપટાં પડી રહ્યા છે. વરસાદને લીધે વાડી-ખેતરોમાં પાણી ભરાતા લીલા શાકભાજીની આવકમાં ઘટાડો થતાં ભાવમાં તોતિંગ વધારો થયો છે. અમદાવાદ, રાજકોટ, સુરત સહિત દરેક યાર્ડમાં લીલા શાકભાજીના ભાવમાં ઉછાળો આવ્યો છે. જોકે એકમાત્ર લીંબુના ભાવમાં 56 ટકાનો ઘટાડો નોંધાયો છે, એક તબક્કે મણે રૂ.3000 કરતાં વધુ બોલાયેલા લીંબુના ભાવ ઘટીને તળિયે આવી ગયા છે અને હાલમાં લીંબુના ભાવ રૂ.600ના મણ બોલાઇ રહ્યા છે. જોકે અન્ય શાકભાજી તેમજ ફલોના ભાવમાં પણ વધારો થયો છે.
રાજ્યભરના માર્કેટ યાર્ડ્સમાં લીલા શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો થયો છે. એક માત્ર લીંબુના ભાવમાં ઘટોડા થયો છે. હાલ વરસાદી સીઝન હોવાથી લીંબુનો વપરાશ ઘટ્યો છે. તેથી માગ ઘટતા ભાવમાં પણ ઘટાડો થયો છે. ગત તા.3-6ના રોજ લીંબુના ભાવ મણે રૂ.1350 હતા જે આજે ઘટીને રૂ.600 થઇ ગયા છે. જ્યારે ટમેટાંના ભાવ મણદીઠ રૂ.450 હતા જે વધીને રૂ.700 થઇ ગયા છે. સૌથી વધુ ભાવ વધારો રીંગણાના ભાવમાં થયો છે. ગત મહિને રીંગણાના મણનો ભાવ રૂ.300 હતો જે આજે વધીને રૂ.1050 બોલાયો છે. કોથમીરના ભાવ પણ 60 ટકા વધીને મણે રૂ.1600 થઇ ગયા છે. તેવી જ રીતે કોબીજના ભાવ 70 ટકા વધીને મણે રૂ.340 થઇ ગયા છે.
આ ઉપરાંત ભીંડો મણનો ભાવ રૂ.500થી વધીને મહિનામાં રૂ.1200 થઇ ગયો છે. ગુવારના ભાવ રૂ.1000 પરથી વધીને રૂ.1800 થઇ ગયા છે. ટીંડોળાના ભાવ રૂ.800થી વધીને રૂ.1500 થઇ ગયા છે. દૂધીના ભાવ રૂ.320 હતા તે વધીને રૂ.600 એટલે બમણા થઇ ગયા છે. કારેલાનો ભાવ રૂ.460 પરથી વધીને રૂ.1200ને આંબી ગયા છે. કાકડીના ભાવ રૂ.560 પરથી 1050 પર પહોંચી ગયા છે. ગાજરના ભાવ રૂ.400થી વધીને રૂ.600 થઇ ગયા છે. મરચાં લીલાનો ભાવ રૂ.700થી વધીને રૂ.1200 પ્રતિ મણ બોલાયો છે.