વડોદરાઃ શહેરના રેલવે સ્ટેશન પર આજથી ચાર-પાંચ વર્ષ પહેલા  દિલ્હીથી મુંબઈ જતી રાજધાની એક્સપ્રેસ ટ્રેનમાંથી 8 કિલો ચરસના જથ્થા સાથે મુંબઈનું દંપતી પકડાયું હતુ. આ દંપતી સામે કેસ કરીને કોર્ટમાં ચાર્જશીટ રજુ કરતા કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. અને વડોદરાની સ્પેશિયલ એનડીપીએસ કોર્ટે દંપત્તિને દોષિત ઠેરવી 10 વર્ષની કેદ તથા રૂપિયા એક- એક લાખનો દંડ ફટકારતો હુકમ કર્યો છે.

આ બનાવની વિગત એવી હતી કે, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો અમદાવાદની ટીમને ચોક્કસ માહિતી મળી હતી કે, ઈકબાલખાન અમીનખાન તથા સમીરાશેખ ઈકબાલખાન (બંને રહે – ઈસ્માઈલ મંઝિલ, અંધેરી ,ઈસ્ટ ,મુંબઈ) રાજધાની એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હોય તેમની પાસે ચરસનો જથ્થો છે. અને તેઓ દિલ્હીથી મુંબઈ જવા નીકળેલ હોય તા. 23 /10/2020ના રોજ વડોદરા રેલવે સ્ટેશન ખાતે પહોંચશે. ટ્રેન વડોદરા રેલ્વે સ્ટેશન પ્લેટફોર્મ નં.1  ઉપર પહોંચતા વોચમાં ગોઠવાયેલી પોલીસની ટીમે બાતમી મુજબના બંને શખ્સોને ઝડપી પાડી તેઓની પાસે રહેલ બેગમાંથી ચરસનો જથ્થો કબ્જે કર્યો હતો. આ કેસની સ્પેશિયલ એનડીપીએસ કોર્ટમાં સ્પે. એનડીપીએસ જજ સલીમ બી. મન્સૂરી સમક્ષ સુનાવણી હાથ ધરાતા ફરિયાદ પક્ષ તરફે સ્પે.પી.પી. અનિલ દેસાઈની દલીલો હતી કે, આરોપીઓએ સમગ્ર સમાજને અસર કરે તેવો ગુનો કરેલ હોય તેઓ ઉપર રહેમ રાખી શકાય નહીં, કાયદામાં ઠરાવ્યા મુજબ મહત્તમ સજા થવી જોઈએ. કોર્ટે બંને પક્ષકારોના મૌખિક તથા દસ્તાવેજ પુરાવા અને દલીલો ધ્યાને લેતા નોંધ્યું હતું કે, આક્ષેપિત મુદ્દામાલ ટ્રેનમાં આરોપીઓના કબ્જાવાળી બેગમાંથી મળી આવેલ હોય તે હકીકત પુરવાર થાય છે. એનડીપીએસ એક્ટની કલમોના અનુમાનોનું ખંડન કરવામાં બચાવ પક્ષ નિષ્ફળ રહેલ હોય આરોપીઓએ આક્ષેપિત ગુનો કરેલ છે તે હકીકત પુરવાર થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here