વડોદરાઃ શહેરની વસતી સાથે વિસ્તારમાં પણ વધારો થયો છે, જેના લીધે મ્યુનિ.કોર્પોરેશનમાં કામનું ભારણ વધતા ગયા વર્ષે એટલે કે માર્ચ -2024 માં 552 જુનિયર ક્લાર્કની ભરતી કરવામાં આવી હતી. નિયુક્ત થયેલા જુનિયર ક્લાર્ક પૈકી 50 હાજર થયા ન હતા. બાકી રહેલા 502 જુનિયર ક્લાર્ક પૈકી 40 ક્લાર્કએ એક વર્ષમાં રાજીનામાં આપી દીધા છે. અને બીજા 20 જેટલા જુનિયર ક્લાર્ક નોકરી છોડવાની તૈયારીમાં છે. ત્યારે મ્યુનિમાં જુનિયર ક્લાર્કો નોકરી છોડી ચાલ્યા જતાં કામગીરી ઉપર અસર પડી રહી છે.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના સૂત્રોએ જણાવ્યું હતું કે, મ્યુનિમાં 552 જુનિયર ક્લાર્કની ભરતી કરવામાં આવી હતી. જે પૈકી 40 જુનિયર ક્લાર્કે નોકરી છોડી દીધી છે. અને બીજા 20 જેટલા જુનિયર ક્લાર્ક નોકરી છોડવા માટે NOC માંગી છે. જોકે, મ્યુનિ. દ્વારા આ ખાલી પડેલી જગ્યાઓ ઉપર જુનિયર ક્લાર્ક પ્રતિક્ષા યાદીમાંથી ભરતી કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વડોદરા કોર્પોરેશનમાં વર્ષોથી ફરજ બજાવી રહેલા 43 જુનિયર ક્લાર્કોને આગામી દીવાળી ગીફ્ટરૂપે પ્રમોશન આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, મ્યુનિ. કોર્પોરેશનમાંથી જુનિયર ક્લાર્કની છોડવાનું કારણ ઉમેદવારને સરકારના અન્ય વિભાગમાં નોકરી મળતી હોવાથી અથવા વતન નજીક નોકરી મળવાથી છોડી રહ્યા છે. જોકે, નોકરી છોડી દેવાથી મ્યુનિ.કોર્પોરેશનની વહિવટી કામગીરી ઉપર અસર પડી રહી છે.