વડોદરાઃ  શહેર અને જિલ્લામાં ગઈકાલે સોમવારે સમીસાંજ બાદ વાતાવરણમાં પલટો આવ્યા બાદ વાવાઝોડુ ફુંકાયુ હતું. તેજ ગતિથી ફુંકાયેલા પવન અને કમોસમી વરસાદને કારણે ઠેર ઠેર વીજળીના  થાંભલા, ડી.પી. અને ટ્રાન્સફોર્મરોને ભારે નુકસાન થયું હતુ. પરિણામે વડોદરા શહેરના 5,000 મકાનોમાં અને જિલ્લાના 80 ગામોમાં અંધારપટની સ્થિતિ ઉભી થઈ હતી. જોકે MGVCL ની ટીમો દ્વારા વીજ પુરવઠો પૂર્વવત કરવા માટે કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી હતી. અને આજે મંગળવારે મોટાભાગના વિસ્તારોમાં વીજ પુરવઠો પૂર્વવત કરી દેવામાં આવ્યો છે.

વડોદરા શહેરમાં વંટોળ સાથે વાવાઝોડુ ફુકાતા વીજ પુરવઠો ખોરવાયો હતો. કલાકો સુધી વીજ પુરવઠો શરૂ ન થતાં ગ્રાહકો દ્વારા સબ સ્ટેશનોમા સ્થિતિ જાણવા ફોન કરવાનું શરૂ કર્યું હતું. પરંતુ વીજ કર્મીઓએ લેન્ડ લાઇન ફોનના રિસીવર બાજુ ઉપર મૂકી દીધા હતા. ફોન ના ઉઠાવતા સબ સ્ટેશન પહોંચેલા ગ્રાહકો અને વીજકર્મીઓ વચ્ચે થયેલી તડાફડીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. ઉપરથી વીજ સપ્લાય બંધ હોવાથી વીજ કર્મચારીઓ પણ લાચાર હતા.

આ અંગે મધ્ય ગુજરાત વીજ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર તેજસ પરમારે કહ્યુ હતું કે ભારે વાવાઝોડાના કારણે મધ્ય ગુજરાતના વડોદરા, નડિયાદ, આણંદ અને ગોધરામાં ભારે નુકસાન થયું છે. 2500 જેટલા ફીડરો પૈકી 500 જેટલા ફીડરોને નુકસાન થયું છે. પરિણામે અનેક ગામોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. એમજીવીસીએલની ટીમો દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને શક્ય બને તેટલો ઝડપી વીજ પુરવઠો પૂર્વવત્ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. વડોદરા જિલ્લામાં 40 થી 50 જેટલા ફીડરોને નુકસાન થયું છે પરિણામે 80 જેટલા ગામોમાં અંધાર પણ છવાયેલો છે. જોકે  બપોર સુધીમાં મોટાભાગના ગામોમાં વીજ વિક્ષેપ દુર કરી દેવામાં આવ્યો છે.

MGVCLના અધિકારીના કહેવા મુજબ વડોદરા શહેરમાં ભારે વાવાઝોડાના કારણે 63 જેટલા વીજ થાંભલાઓ તૂટી પડ્યા હતા. જોકે મોડી રાત્રે જ અનેક વિસ્તારોમાં વીજપુરવઠો પૂર્વવત કરી દેવામાં આવ્યો છે. પરંતુ જે સોસાયટી વિસ્તારોમાં ડીપી અને ટ્રાન્સફોર્મરોને નુકસાન થયું છે તેવા 5000 જેટલા મકાનોમાં સવાર સુધી વીજ પુરવઠો શરૂ કરી શકાયો નહતો. એમજીવીસીએલની ટીમો દ્વારા વીજ પુરવઠો પૂર્વવત કરવા માટે કામગીરી ચાલી રહી છે.  વડોદરા જિલ્લામાં એમજીવીસીએલના 1000 ઉપરાંત કર્મચારીઓ વીજ પુરવઠો પૂર્વવત કરવા માટે કામે લાગી ગયા હતા. વીજ પુરવઠો શરૂ કરાયા બાદ નુકસાનીનો સર્વે શરૂ કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here