વડોદરાઃ  શહેરમાં ગઈકાલે સોમવારે સમીસાંજે 80 કિમીની ઝડપે વાવાઝોડું ફૂંકાયું હતું. જેમાં 100થી વધુ વૃક્ષો ધરાશાયી થતાં 45થી વધુ વાહનો દબાયાં હતાં. વૃક્ષ નીચે દબાયેલા વાહનમાં સવાર દંપતી સહિત 7 લોકોનું પોલીસ-ફાયરબ્રિગેડે રેસ્ક્યૂ કર્યું હતું. શહેરના સુભાનપુરામાં વાયર તૂટી જતાં કરંટ લાગતાં 55 વર્ષિય જીતેષ મોરે અને એક શ્વાનનું મોત થયું હતું.  જ્યારે લાલબાગ તરફ જતા બસના કંડક્ટર પર્બત ડાંગરનું કરંટ લાગવાથી અને સોમા તળાવ દર્શનમ કોમ્પ્લેક્સ પાસે રિક્ષા પર હોર્ડિંગ પડતાં 53 વર્ષિય ગિરીશ ચૌરેનું મોત થયું હતું. જ્યારે 7 લોકોને ઇજા પહોંચી હતી. ટ્રાન્સફોર્મરમાં ધડાકા થતા 127 વીજ ફીડર બંધ થતાં અંધારપટ થઈ ગયો હતો.

વડોદરા શહેરમાં તેજ ઝડપે પવન સાથે વાવાઝોડું ફુકાયુ હતુ અને વીજળીના કડાકા સાથે 30 મિમી વરસાદ વરસ્યો હતો. શહેરમાં સાંજે અડધો કલાક ફૂંકાયેલા 70 થી 80 કિમીના પવનોથી વાતાવરણ ધૂળિયું થતાં વિઝિબિલિટી ઝીરો થઈ હતી. જેને પગલે ઓફિસથી ઘરે જતા લોકોએ ઝીરો વિઝિબિલિટીથી વાહનો પાર્ક કરી દુકાન, શોપિંગ કોમ્પ્લેક્સ, મોલ સહિતના સ્થળે આશરો લેવો પડ્યો હતો. શહેરમાં વાવાઝોડા-વરસાદ સાથે ઠેર ઠેર ઝાડ પડતાં સ્થિતિ વિકટ થઈ હતી.

આ ઉપરાંત ટ્રાન્સફોર્મરમાં ધડાકા થતા 127 વીજ ફીડર બંધ થતાં અંધારપટ થઈ ગયો હતો. આ દરમિયાન વડોદરા ફાયર બ્રિગેડને વૃક્ષો પડવા, હોર્ડિંગ પડવા, વીજ પોલ ધરાશાયી, જર્જરીત મકાનોનો દિવાલો ધરાશયી થવા સહિતની 240 જેટલી ફરિયાદો મળી હતી. જેમાંથી 200 જેટલી ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે અને હજી પણ ફાયર બ્રિગેડની કામગીરી ચાલી રહી છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here