વડોદરાઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશનની સામાન્ય સભામાં વિપક્ષની રજુઆતો સાંભળ્યા વિના જ માત્ર 24 મીનીટમાં સભા આટોપી દેતા મેયરની હરકતો સામે વિવાદ ઊભો થયો છે. લોકોના પ્રશ્નો વિપક્ષની રજુઆતો સાંભળવી તે સત્તાધારીની જવાબદારી છે. સામાન્ય સભામાં ચોમાસામાં તંત્રની તૈયારીઓ અને માનવસર્જિત પૂર મુદ્દે વિપક્ષને સાંભળવાની જગ્યાએ મેયરે એજન્ડાના કામો લઈ સભાને બરખાસ્ત કરતા વિવાદ થયો હતો. બુધવારે મેયરના વલણ મુદ્દે વિપક્ષના કાઉન્સિલરો અને શહેર કોંગ્રેસ પ્રમુખે મેયર ઓફિસની બહાર પોસ્ટર સાથે ધારણા પર બેસી વિરોધ દર્શાવ્યો હતો.

વડોદરા મ્યુનિની સામાન્ય સભામાં વિપક્ષની અવગણના કરવા સામે શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોષી, વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, કાઉન્સિલર જહા ભરવાડ, પુષ્પાબેન વાઘેલા, અમી રાવત, બાળું સુર્વે અને હરીશ પટેલ સહિતના કાર્યકરોએ મેયરની ઓફિસ બહાર ધારણા યોજ્યા હતા. ચંદ્રકાંત શ્રીવાસ્તવે કહ્યું કે, પ્રજાના પ્રતિનિધિ તરીકે વિપક્ષનો અવાજ દબાવવાનો પ્રયાસ કરાયો હતો. ગત વર્ષના પૂર પછી તૈયારી કેવી છે તે અંગે વિપક્ષ સવાલ કરે તે પૂર્વે જ મેયરે અહંકાર બતાવી એજન્ડાના કામો લઈ સભાને બરખાસ્ત કરી હતી. સત્તા પક્ષ નાગરિકોના હિતમાં કામ નહીં કરે તો કોંગ્રેસ આંદોલન કરશે. કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોષીએ કહ્યું કે, પ્રજાના પ્રશ્નો પુછતા કાઉન્સિલરોનો અવાજ દબાવવાનો પ્રયાસ સાંખી લેવાય નહીં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here