• વડોદરાના ગોરવા લક્ષ્મીપુરા મુક્તિધામ પાસેના તળાવમાં કાર ખાબકી
• કારમાં સવાર એક યુવાન તરીને બહાર નીકળી ગયો
• ફાયરના જવાનોએ રેસ્ક્યુ કરીને કારને તળાવમાંથી બહાર કાઢી

વડોદરાઃ શહેર નજીક ગોરવા લક્ષ્મીપુરા મુક્તિધામ પાસે રોડ પર ગત મોડીરાત્રે પૂરફાટ ઝડપે આવેલી કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર રોડ પરથી ઉતરીને નજીકના તળાવમાં ખાબકી હતી કારમાં બે યુવક સવાર હતાં, જેમાંથી નીરજ ચોસલા નામના યુવકને સ્વિમિંગ આવડતું હોવાથી તે કારમાંથી બહાર નીકળી ગયો હતો. એ બાદ તેણે કારના બોનેટ પર ચડી બૂમાબૂમ કરી કારમાં ફસાયેલા કેતન પ્રજાપતિ નામના યુવકને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં કાર પાણીમાં ડૂબવા લાગતાં બોનેટ પરનો યુવક સ્વિમિંગ કરીને બહાર નીકળી ગયો હતો.

આ બનાવની વડોદરા ફાયર વિભાગને જાણ થતાં ફાયરનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. જેમાં એક કલાકની ભારે જહેમત બાદ ફાયરની ટીમે કેતન પ્રજાપતિને બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યો હતો, જ્યાં ફરજ પર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. હાલ આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. ફાયર વિભાગ દ્વારા કારને રેસ્ક્યુ કરીને બહાર કાઢી હતી.

આ બનાવ અંગે ફાયર વિભાગના સૂત્રોએ જણાવ્યુ હતું કે, શહેરના ગોરવા લક્ષ્મીપુરા મુક્તિધામની બાજુમાં આવેલા તળાવમાં ગત મોડીરાત્રે એક કાર અચાનક જ પાણીમાં ખાબકી હોવાના મેસેજ મળતાં જ વડોદરા ફાયર અને ઇમર્જન્સી વિભાગની જીઆઇડીસી, વડીવાડી અને વાસણા ફાયર સ્ટેશનની ટીમોએ ઘટનાસ્થળે પહોંચી કામગીરી હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here