વડોદરાઃ ગુજરાતમાં ઠંડીનું મોજુ ફરી વળતા જનજીવન પર માઠી અસર પડી છે. લોકો તો ઠંડીથી રક્ષણ મેળવી લેતા હોય છે. પણ પશુ-પંખીઓ પ્રાણીઓની હાલત કફોડી બનતી હોય છે.  ત્યારે વડોદરામાં કમાટીબાગના પ્રાણી સંગ્રહાલયમાં પશુ પક્ષીઓને ઠંડીથી રક્ષણ મળે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.

વડોદરાના કમાટીબાગના પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓના પિંજરામાં સૂકા ઘાસની પથારી કરવામાં આવી છે. ઘાસની પ્રકૃતિ ગરમ છે, એટલે તેની પથારી પર સૂઈને પ્રાણીઓ ગરમાવો લઈ શકે છે. ઉપરાંત જુદા-જુદા આકારની ઘાસની ઝૂંપડીઓ પણ તૈયાર કરી છે. જેમાં રાત્રિના સમયે પ્રાણીઓ બેસીને ઊંઘ મેળવી શકે છે. અગાઉ સિંહ અને દીપડાને જુના પાંજરામાં રાખવામાં આવતા હતા, ત્યાં હવે વાંદરા રાખવામાં આવે છે. વાંદરા માટે પણ ગરમાવો મળે તે માટે તાપણા કરવામાં આવે છે. સાંજે ઝૂ બંધ થવાનું હોય ત્યારે તાપણું ચાલુ કરી દેવામાં આવે છે, જે આખી રાત ચાલુ રહે છે. નાના પક્ષીઓ અને સરીસૃપોને ઠંડીથી રક્ષણ આપવા માટે તેઓના પાંજરામાં ઇલેક્ટ્રીક બલ્બ ચાલુ રાખવામાં આવે છે. જેનાથી તેઓને ગરમાવો રહે છે.

આ ઉપરાંત પક્ષીઓના પાંજરા ફરતે ગ્રીન એગ્રોનેટ પડદા બાંધવામાં આવ્યા છે, અને સાંજ પડતા પાંજરા ઢાંકી દેવામાં આવે છે. જેથી કરીને રાત્રે ઠંડા પવનો ફૂંકાય તો પ્રાણીઓને ઠંડીથી રક્ષણ મળી શકે. શાકાહારી પ્રાણીઓ હરણને પાંજરામાં દર એકાંતરે સૂકું ઘાસ નાખવામાં આવે છે. જેને તે ખાઈ પણ શકે છે અને સૂકા ઘાસ ઉપર રાત્રે સુઈ શકે છે.પક્ષીઓનું શરીરનું તાપમાન માનવી કરતાં ચાર પાંચ ડિગ્રી વધુ હોય છે, એટલે તેઓ ઠંડી ઝીલી શકે છે. આમ છતાં પણ ઠંડી સામે તેઓને સુરક્ષા પૂરી પાડવામાં આવી રહી છે. જળચર પ્રાણીઓ માટે કોઈ વ્યવસ્થા કરવાની બહુ જરૂર રહેતી નથી. ઠંડી વધતા પશુ પંખીઓના ખોરાકમાં સીઝનલ ફળફળાદી અને શિયાળાના લીલા શાકભાજી ખાસ તો મેથી, પાલક, તાંદળજો વગેરેનો વધારો કરવામાં આવ્યો છે. મધ પણ અપાય છે. જે પૌષ્ટિક ગણાય છે અને ઠંડી સામે ગરમાવો મળી શકે છે. પ્રાણીસંગ્રહાલયમાં એકાદ હજારથી વધુ પશુ પંખીઓ છે. જેઓને શિયાળામાં ઠંડીથી રક્ષણ આપવામાં આવે છે, તેમ ઉનાળામાં ગરમી સામે ઠંડક મળી રહે તેની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here