ગાંધીનગરઃ વડનગરમાં 11માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. શર્મિષ્ઠા તળાવ પર યોજાયેલા રાજ્યકક્ષાના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે હાજરી આપી હતી. વડનગરમાં કુલ 11 અલગ-અલગ સ્થળોએ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. શર્મિષ્ઠા તળાવ પર યોજાયેલા કાર્યક્રમમાં 3 હજાર લોકોએ યોગાભ્યાસમાં ભાગ લીધો હતો. જ્યારે તમામ 11 સ્થળો પર મળીને કુલ 8 હજાર 500 લોકોએ યોગાભ્યાસ કર્યો હતો. આ યોગાભ્યાસનો ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, 2121 લોકોએ ભુજંગાસન કરી વર્લ્ડ રેકોર્ડ કર્યો છે. યોગમાં અત્યાર સુધીમાં ત્રીજો વર્લ્ડ રેકોર્ડ નોધાયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની આ વર્ષની થીમ એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે યોગ રાખવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી એ દેશવાસીઓને મેદસ્વીતા થી દુર રહેવા કરેલા આહ્વાન ને ઝીલી લઈને ગુજરાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા દર્શનમાં આ વર્ષે 11 માં યોગ દિવસે મેદસ્વીતા મુક્ત સ્વસ્થ ગુજરાત નો સંકલ્પ કર્યો છે. રાજ્યભરમાં મહાનગરપાલિકાથી લઈને ગ્રામ પંચાયત સુધી અંદાજે કુલ દોઢ કરોડ લોકો આંતરરાષ્ટીય યોગ દિવસ ની ઉજવણીમાં સામૂહિક યોગ ક્રિયામાં જોડાયા છે એમ પણ ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું હતું.

યોગ અને પ્રાણાયામ ની પ્રાચીન સ્વાથ્ય વિરાસત પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ ની પ્રેરણા અને પ્રયાસો થી વિશ્વના દેશોના લોકોની રોજ બરોજ ની જીવન શૈલી નો ભાગ બની ગઈ છે તેમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અવસરે જણાવ્યું હતું. તેમણે યોગ અભ્યાસની જીવનમાં સ્વસ્થતા અને તંદુરસ્તી સાથે માનસિક અને આધ્યાત્મિક જોડાણ પણ વિસ્તૃત સમજ આપી હતી. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, મહેસાણા જિલ્લા પંચાયત પ્રમુખ તૃષા બહેન, રાજ્ય યોગ બોર્ડ અધ્યક્ષ શીશપાલજી તેમજ ધારાસભ્યો, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં યોગ સાધકો, યોગ પ્રેમીઓ આ સામૂહિક યોગ ક્રિયામાં જોડાયા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વિશાખાપટ્ટનમથી યોગ દિવસ અવસરે કરેલા પ્રેરક સંબોધનનું જીવંત પ્રસારણ સૌએ નિહાળ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here