દક્ષિણ કેલિફોર્નિયાના લોસ એન્જલસમાં લાગેલી ભીષણ આગએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. હજારો લોકોને રહેણાંક વિસ્તારોમાંથી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. લોસ એન્જલસની પહાડીઓમાં લાગેલી આગને ઓલવવા માટે અગ્નિશામકો સંઘર્ષ કરી રહ્યા છે. જ્વાળાઓ માઈલ સુધી ફેલાઈ ગઈ.
લોસ એન્જલસ ફાયર વિભાગના ફાયર ચીફ ક્રિસ્ટીન ક્રોલીએ જણાવ્યું હતું કે આગને કારણે 10,000 થી વધુ ઘરો અને 13,000 થી વધુ ઇમારતોમાં રહેતા 26,000 થી વધુ લોકો પ્રભાવિત થયા છે. મોટા પ્રમાણમાં આગના કારણે રસ્તાઓ બ્લોક થઈ જતા મોટી સંખ્યામાં લોકો પોતાની કાર છોડીને પગપાળા સલામત સ્થળો તરફ જઈ રહ્યા છે. જોરદાર પવનોએ આગમાં બળતણ ઉમેર્યું છે.
લાખો કેલિફોર્નિયાવાસીઓ માટે ચેતવણી જારી કરવામાં આવી છે. આ સાથે લોકોને આગના જોખમ અને તેના ફેલાવા અંગે ચેતવણી આપવામાં આવી છે. આ સાથે મોટા વિસ્તારમાં વીજળીનો પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો છે. જેના કારણે લગભગ પાંચ લાખ લોકો પ્રભાવિત થયા છે. લોસ એન્જલસની પશ્ચિમે પેસિફિક પેલિસેડ્સની આગમાં 2 ચોરસ માઈલથી વધુ જંગલ બળી ગયું છે. જેના કારણે સમગ્ર શહેરમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે.
રાષ્ટ્રપતિ જો બિડેને પ્રતિકૂળ હવામાનને કારણે રિવરસાઇડ કાઉન્ટી, કેલિફોર્નિયાનો પ્રવાસ રદ કર્યો છે. જ્યાં તેઓ રાજ્યમાં બે નવા રાષ્ટ્રીય સ્મારકોની સ્થાપનાની જાહેરાત કરવાના હતા. બિડેન રિવરસાઇડ કાઉન્ટીને બદલે લોસ એન્જલસમાં પોતાનું ભાષણ આપશે. નેશનલ વેધર સર્વિસે જણાવ્યું હતું કે બુધવાર સવારે જોરદાર પવનો સ્થિતિને વધુ ખરાબ કરી શકે છે. લોસ એન્જલસ યુનિફાઇડ સ્કૂલ ડિસ્ટ્રિક્ટનું કહેવું છે કે આગને કારણે પેસિફિક પેલિસેડ્સ વિસ્તારમાં ત્રણ કેમ્પસમાંથી વિદ્યાર્થીઓને અસ્થાયી ધોરણે બહાર કાઢવામાં આવી રહ્યા છે.