ગાંધીનગરઃ ગ્રામીણ વિસ્તારના ઘરવિહોણા પરિવારોનું “પોતાના ઘરના ઘરનું” સ્વપ્ન સાકાર કરવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી “પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ” અમલમાં મૂકવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ આ આવાસના નિર્માણ માટે અપાતી સહાયમાં વધારો કરવાનો જનહિતલક્ષી નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણય અંગે વિગતવાર માહિતી આપતા ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ હેઠળ ગ્રામ્ય વિસ્તારમાં “સામાજિક-આર્થિક મોજણી અભ્યાસ-2011” તેમજ “આવાસ પ્લસ સર્વે” મુજબ પાત્રતા ધરાવતા રાજ્યના ઘરવિહોણા તેમજ કાચા આવાસ ધરાવતા પરિવારોને આવરી લેવાનો રાજ્ય સરકારનો દ્રઢ સંકલ્પ છે.

મંત્રીએ ઉમેર્યું હતું કે, આ યોજના હેઠળ અત્યાર સુધી લાભાર્થીઓને ત્રણ તબક્કામાં કુલ રૂ. 1,20,222ની સહાય ચૂકવવામાં આવતી હતી. ગ્રામીણ વિસ્તારોમાં મકાન બાંધકામ માટેના વપરાતા રેતી, કપચી, સિમેન્ટ, સ્ટીલ જેવા માલસામાનની વધતી કિંમતો ઉપરાંત ભૌગોલિક અને અંતરિયાળ વિસ્તારોના કારણે થતા પરિવહન ખર્ચને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે લાભાર્થીઓને પડતી મુશ્કેલીઓ દૂર કરવા આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

આ મુશ્કેલીઓ દૂર કરવા પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણના લાભાર્થીઓને રાજ્ય સરકાર તરફથી વધારાની રૂ. 50,000 સહાય આપવામાં આવશે. વિકસિત ગુજરાતના સંકલ્પને સાકાર કરી ગામડાઓને સમૃદ્ધ અને મજબૂત બનાવવાના ઉમદા આશય સાથે વર્ષ ૨૦૨૫-૨૬ના બજેટમાં આ વધારાની સહાય ચૂકવવા માટે કુલ 1,10,000 લાભાર્થીઓના લક્ષ્યાંક સાથે રૂ. 550 કરોડની ફાળવણી કરવામાં આવી છે, તેમ ગ્રામ વિકાસ મંત્રીએ ઉમેર્યું હતું.

વધુ વિગતો આપતા ગ્રામ વિકાસ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, હવેથી લાભાર્થીઓને આવાસ મંજૂરી સમયે પ્રથમ હપ્તા પેટે રૂ.30,000 પ્લીન્થ લેવલ બીજા હપ્તા પેટે રૂ.80,000 રૂફ-કાસ્ટ લેવલ ત્રીજા હપ્તા પેટે રૂ. 50,000 તેમજ આવાસ પૂર્ણ થયેથી ચોથા હપ્તા પેટે રૂ.10,000 મળી કુલ રૂ.1,70,000ની સહાય આપવામાં આવશે. જેમાંથી રૂ.98,000 ની સહાય રાજ્ય સરકાર તેમજ રૂ.72,000 સહાય કેન્દ્ર સરકારના ભંડોળમાંથી ચૂકવવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here