રાજકોટઃ મણિપુર, મિઝોરમ, સિક્કીમ તેમજ ઉત્તર પ્રદેશમાંથી બંદૂકોના ગેકરાયદે લાયસન્સનું કૌભાંડ પકડાયું હતું. ત્યારે રાજસ્થાન પોલીસે 30 જીવતા કારતૂસ લઈને જઈ રહેલા રાજકોટના ત્રણ શખસોને પકડી લીધા હતા. રાજસ્થાનના આબુ નજીક ટોલનાકા પાસે પોલીસે ગુજરાત પાસિંગની સ્કોર્પિયોને અટકાવી તલાશી લેતા તેમાંથી રાજકોટના 3 શખ્સ 30 જીવતા કાર્ટિસ સાથે મળી આવ્યા હતા. પોલીસે ત્રણેયની ધરપકડ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આબુ નજીક સિરોહી જિલ્લાના સ્વરૂપગંજ ટોલનાકા પાસેથી શંકાસ્પદ હાલતમાં પસાર થયેલી કાળા કલરની જીજે03-એનકે 6891 નંબરની સ્કોર્પિયોને રાજસ્થાન પોલીસે અટકાવી હતી. પોલીસે ‌વાહન અટકાવતાં જ સ્કોર્પિયોમાં બેઠેલા ત્રણ શખ્સ ગભરાઇ ગયા હતા જે શંકાસ્પદ લાગતાં રાજસ્થાન પોલીસે સ્કોર્પિયોની તલાશી શરૂ કરી હતી અને સ્કોર્પિયોના આગળના ડેશબોર્ડમાંથી 30 જીવતા કાર્ટિસ મળી આવ્યા હતા. 30 કાર્ટિસ મળતાં પોલીસે સ્કોર્પિયોમાં બેઠેલા રાજકોટના ભગવતીપરામાં રહેતા રાજેશ પ્રભાત આહીર (ઉ.વ.40), મોરબી રોડ જકાતનાકા પાસેના જમના પાર્કમાં રહેતા મૂળ ભાડલાના મિહિર રમેશ શુક્લ (ઉ.વ.49) અને તેના પુત્ર હિરેન શુક્લ (ઉ.વ.25)ની ધરપકડ કરી હતી.

પોલીસ સૂત્રોના કહેવા મુજબ  રાજસ્થાનના ભીલવાડા તરફથી સ્કોર્પિયો આવી રહી હતી અને ગુજરાત તરફ જઇ રહી હતી. ત્રણેય શખ્સ રાજસ્થાનના કોઇ સ્થળેથી કાર્ટિસ ખરીદીને રાજકોટ જઇ રહ્યાની શંકા સેવાઇ રહી છે. પિસ્ટલની આ 30 કાર્ટિસ મળી છે ત્યારે પિસ્ટલ કોની છે?, તે લાઇસન્સવાળી છે કે ગેરકાયદે હથિયાર માટે લેવા ગયા હતા?, 30 કાર્ટિસનો કોઇ ચોક્કસ ગુનાઈત કૃત્ય માટે ઉપયોગ કરવાનો હતો કે કેમ તે સહિતના મુદ્દે પોલીસે ત્રણેયની પૂછપરછ શરૂ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here