રાજકોટઃ મ્યુનિસિલ કોર્પોરેશન દ્વારા એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ માટે રિબેટ યોજના અમલમાં મુકી હતી. તેને સારોએવો પ્રતિસાદ મળ્યો છે. આ યોજના અંતર્ગત કુલ 3,46,373 મિલકતધારકો દ્વારા 247.59 કરોડનો પ્રોપર્ટી ટેક્સ બરી દેવામાં આવ્યો છે. જે રાજકોટ મ્યુનિ.કોર્પોરેશન માટે એક નોંધપાત્ર સિદ્ધિ છે. જોકે, હજુ સરકારી મિલકતો પાસેથી આશરે 90થી 95 કરોડની વસૂલાત બાકી છે. જે વસૂલવા માટે અત્યારથી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
આરએમસીના વેરા વિભાગના સૂત્રોના કહેવા મુજબ શહેરમાં મિલકતધારકોને સમયસર વેરો ભરવા પ્રોત્સાહિત કરવા માટે દર વર્ષે અર્લી બર્ડ ડિસ્કાઉન્ટ સ્કીમ અમલમાં મૂકવામાં આવે છે. આ વર્ષે નાણાકીય વર્ષ 2025-26 માટેની આ યોજના 1 એપ્રિલ, 2025થી 30 જૂન, 2025 વચ્ચે અમલી હતી. હાલ વન ટાઈમ ઇન્સ્ટોલમેન્ટ સ્કીમ ચાલુ છે. જેમાં અત્યાર સુધીમાં 4,938 કરદાતા જોડાયા છે. જેમણે પોતાનો ચાલુ વર્ષનો વેરો એડવાન્સ ભર્યો છે. તેમજ બાકી રકમના 25% પણ ભરપાઈ કર્યા છે. આગામી ત્રણ વર્ષ સુધી તેમનો વેરો અને 25-25 ટકા રકમ તેમણે ભરપાઈ કરવાની રહેશે. વધુમાં વધુ લોકોને 31 જુલાઈ સુધીમાં આ યોજનામાં જોડવાની અપીલ પણ તેમણે કરી હતી.
આરએમસીને એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ રિબેટ યોજનામાં કુલ 247.59 કરોડની આવકમાં ઓનલાઈન માધ્યમથી નોંધપાત્ર ફાળો મળ્યો છે. કુલ 2,55,865 મિલકતધારકોએ ઓનલાઈન પેમેન્ટ સુવિધાનો ઉપયોગ કરીને 162.19 કરોડની ચૂકવણી કરી છે. આ દર્શાવે છે કે, રાજકોટના નાગરિકો ડિજિટલ વ્યવહારો અપનાવી રહ્યા છે અને મ્યુનિ. દ્વારા પૂરી પાડવામાં આવતી ઓનલાઈન સુવિધાઓનો સક્રિયપણે ઉપયોગ કરી રહ્યા છે. જ્યારે 90,508 મિલકતધારકો દ્વારા ઓફલાઈન માધ્યમથી 85.40 કરોડની ચૂકવણી કરવામાં આવી હતી. હાલમાં મિલકત વેરા (પાણી વેરો મર્જ હોય તેવી મિલકતનાં વેરા)માં 23.92 કરોડનું ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે. જ્યારે અનલિંક વોટર કનેક્શન (ફ્લેટ અને વ્યક્તિગત કનેક્શન)માં 1.56 કરોડનું ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે.