રાજકોટઃ ગુજરાતમાં ઘણીબધી ગ્રામ પંચાયતોમાં ચૂંટણી ન થતાં હાલ વહિવટદારોનું શાસન છે. જ્યારે ઘણી ગ્રામ પંચાયતોની પણ મુદત પુરી થઈ ગઈ છે. રાજ્ય ચૂંટણી પંચ પણ હવે ગ્રામ પંચાયતોની ચૂંટણીની તૈયારીઓ કરી રહ્યું છે. અને એકાદ સપ્તાહમાં ચૂંટણીની જાહેરાત થાય એવી શક્યતા છે. ત્યારે રાજકોટ જિલ્લામાં 65 ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી તેમજ 242 ગ્રામ પેચાયતોની પેટા ચૂંટણી માટે વહિવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ ચૂંટણી માટે કૂલ 468 બુથ ઊભા કરાશે.

રાજકોટ જિલ્લા પંચાયતોની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આ વખતે 65 પંચાયતની સામાન્ય અને 242 પંચાયતની પેટા ચૂંટણી થશે. ચૂંટણીમાં મતદાન માટે 468 બૂથ ઊભા કરાશે તેમજ 3 હજાર કર્મચારીઓને જવાબદારી સોંપાશે. જે માટે કર્મચારીઓને તાલીમ આપવા આદેશ કરી દેવામાં આવ્યો છે. કર્મચારીઓનો તાલીમ કાર્યક્રમ ટૂંક સમયમાં જાહેર કરાશે. ગ્રામપંચાયતોની આ ચૂંટણીમાં આર.ઓ. અને એ.આર.ઓ.ની જવાબદારી નાયબ મામલતદારોને સોંપવામાં આવશે. જેમના ઓર્ડર આગામી સમયમાં તાલુકા મામલતદાર કચેરી મારફત ઈસ્યૂ કરાશે. ચૂંટણી માટે 468 બૂથ ઊભા કરાશે. દરેક મતદાન બૂથોમાં પાંચ- પાંચ કર્મચારીઓ ફરજ બજાવશે.

ગ્રામ પંચાયતોની ચૂંટણીને અનુલક્ષી અગાઉ પ્રોવિઝિનલ મતદારયાદી પ્રસિદ્ધ કરી દેવામાં આવી હતી. હવે આ ચૂંટણીમાં ફરજ બજાવનાર કર્મચારીઓને તાલીમ આપી તેઓને તૈયાર કરાશે. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં બેલેટ પેપરથી મતદાન થશે. રાજકોટ તાલુકામાં 5, કોટડાસાંગાણીમાં 2, લોધિકામાં 1, પડધરીમાં 3, ગોંડલમાં 6, જેતપુરમાં 4, ધોરાજીમાં 2, ઉપલેટામાં 4, જામકંડોરણામાં 7, જસદણમાં 15 અને વીંછિયામાં 16 મળી કુલ 65 પંચાયતની સામાન્ય ચૂંટણી યોજાશે. આ સિવાય રાજકોટ તાલુકામાં 46, કોટડાસાંગાણીમાં 17, લોધિકામાં 13, પડધરીમાં 28, ગોંડલમાં 34, જેતપુરમાં 24, ધોરાજીમાં 11, ઉપલેટામાં 17, જામકંડોરણામાં 25,જસદણમાં 15 અને વીંછિયા તાલુકામાં 12 મળી કુલ 242 પંચાયતની પેટા ચૂંટણી યોજાશે. ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે આખરી મતદારયાદી હવે જાહેર થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here