રાજકોટઃ શહેરમાં ગોંડલ રોડ પર આવેલા દોલતપરા શેરી નંબર-1માં માતાજીના માંડવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બકરાંની બલી ચડાવવામાં આવતી હોવાનો કંન્ટ્રોલરૂમને મેસેજ મળતા પોલીસ દોડી ગઈ હતી. પોલીસ પહોંચે તે પહેલા 10 બકરાની બલી ચડાવી દેવામાં આવી હતી. અને 11માં બકરાની બલીની તૈયારી ચાલતી હતી. પોલીસ પહોંચતા જ માંડવામાં ઉપસ્થિતિ લોકોના ટોળાએ પથ્થરમારો કર્યો હતો. દરમિયાન પોલીસે સ્વબચાવમાં એક રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યું હતુ, આ બનાવથી લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. પોલીસે ભૂવા સહિત 5 શખસો સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવની વિગતો એવી છે કે, શહેરના ગોંડલ રોડ પર શિવ હોટેલ પાછળના દોલતપરા શેરી નં.1માં માતાજીના માંડવામાં 10 નર બકરાંની બલિ ચડાવવામાં આવી હતી અને વધુ 11ની બલિ ચડે તે પહેલાં પોલીસ પહોંચી હતી. અંધશ્રદ્ધામાં ખૂંપેલા લોકોએ પોલીસ પર પથ્થરમારો કરતાં નાસભાગ મચી ગઇ હતી. પોલીસે પણ ટોળાંને વિખેરવા હવામાં ફાયરિંગ કર્યું હતું. બલિ ચડાવી અંધશ્રદ્ધા ફેલાવવી તેમજ પોલીસ પર પથ્થરમારો અને વાહનોમાં તોડફોડ અંગે બે ગુના નોંધવામાં આવ્યા હતા.
શહેરના ગોંડલ રોડ પર દોલતપરા શેરી નં.1માં રવિવારે રાત્રે દેવીપૂજક સમાજ દ્વારા માતાજીના માંડવાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ માંડવામાં બકરાંની બલિ ચડાવવામાં આવી રહ્યાની માહિતી મળતાં રાત્રીના વિજ્ઞાનજાથાની ટીમના કાર્યકર ભાનુબેન મનસુખભાઇ ગોહિલ (ઉ.વ.55) તપાસ કરવા ગયા હતા અને તે સ્થળ પર પહોંચ્યા તો બકરાંની બલિ ચડાવવામાં આવી હોય તેવું જોવા મળ્યું હતું. હજુ પણ સોમવારે સવારે વધુ બકરાંની બલિ ચડશે તેવું પણ ધ્યાને આવતાં સોમવારે સવારે વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યા સહિતની ટીમ સ્થળ પર પહોંચી હતી. પંડ્યાએ કહ્યું હતું કે, સ્થળ પર 10 બકરાંની બલિ ચડાવી દેવામાં આવી હતી અને 11 બકરાંનો જીવ બચાવી લેવાયો હતો. સ્થળ પર મટનના અને લોહીના તપેલા ભર્યા હતા. સ્થળ પર મોટા છરા પણ હતા. આ બાબતે ભૂવા હકુ મેઘજી વાળાની પૃછપરછ કરતાં તેણે બલિની વાત કબૂલી હતી. આ ઉપરાંત અન્ય ચાર આરોપી મુળજી વીરજી સાડમિયા, રોહિત ભરત સોવેસિયા, પ્રતાપ કનુ સોલંકી અને અરવિંદ મુકેશ સોલંકીએ બલિ ચડાવી હતી. આ મામલે ભાનુબેને આજી ડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને સાત બકરાંની બલિ ચડાવવાના મામલે ભૂવા હકુ વાળા સહિત પાંચ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.
સમગ્ર ઘટનાને પગલે સોમવારે સવારે આજી ડેમ પોલીસની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી અને બલિ ચડાવનારને પકડવાની કવાયત કરી રહી હતી ત્યારે 100થી 150 લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું અને ટોળાંએ પોલીસ સાથે માથાકૂટ શરૂ કરી હતી. મામલો તંગ બનતા આજી ડેમ પોલીસ સ્ટેશનના પીઆઇ અશોકસિંહ જાડેજા સહિતનો કાફલો પહોંચ્યો હતો. ટોળાંએ પોલીસ પર પથ્થરમારો શરૂ કર્યો હતો અને પોલીસવાનના કાચ ફોડી નાખ્યા હતા. રિક્ષામાં તોડફોડ કરી હતી. બેફામ બનેલું ટોળું હાઇવે પર ધસી જવા આગળ વધ્યું હતું. ટોળાંને અટકાવવા પોલીસે તમામ પ્રયાસ કર્યા હતા, પરંતુ ટોળું કાબૂમાં આવતું નહોતું. અંતે પીઆઇ અશોકસિંહ જાડેજાએ પોતાની સર્વિસ રિવોલ્વરમાંથી હવામાં એક રાઉન્ડ ફાયર કર્યું હતું. પોલીસે ત્રીજું નેત્ર ખોલતા ટોળાંમાં નાસભાગ મચી ગઇ હતી. પોલીસ પર પથ્થરમારો અને વાહનોમાં તોડફોડ અંગે ટોળાં સામે અલગથી ગુનો નોંધવામાં આવ્યો હતો અને પોલીસે 20થી વધુ લોકોની અટકાયત કરી હતી.