રાજકોટઃ જન્માષ્ટમીના તહેવારને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. જન્માષ્ટમીના પર્વે સૌરાષ્ટ્રમાં ગામેગામ લોકમેળાઓ યોજાશે. જેમાં સૌથી મોટો ગણાતો રાજકોટના રેસકોર્સ પર યોજાતા 5 દિવસીય મહામેળાને શૌર્યનું સિંદૂર નામ અપાયું છે. લોકમેળાને લઇ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ વર્ષે મેળામાં યાંત્રિક રાઇડ્સને લઇ પહેલેથી જ વિવાદ ચાલતો હતો અને વિવાદોનો અંત આવતા સરકારે SOPમાં નિયમોમાં ફેરફાર કરી દેતા હવે મેળામાં રાઇડ્સ ઈન્સ્ટોલેશન માટે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાનું નામ આખરે નક્કી કરી દેવામાં આવ્યું છે. આ વર્ષના મેળાને “શૌર્યનો સિંદૂર લોકમેળો” નામ આપવામાં આવ્યું છે. રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકો પાસેથી નવા નામ માટે અભિપ્રાય મંગાવવામાં આવ્યા હતા. આ અભિપ્રાયોમાંથી શ્રેષ્ઠ 10 નામોની પસંદગી કરવામાં આવી હતી, જેમાંથી લોકમેળા સમિતિએ આખરી નિર્ણય લઈને ‘શૌર્યનો સિંદૂર’ નામ પર મહોર મારી છે. આ નવું નામ મેળાની ઓળખ અને થીમને વધુ આકર્ષક બનાવશે.
રાજકોટના લોકમેળા માટે રાઇડ્સ ઇન્સ્ટોલેશનની સાથે સાથે માર્ગ અને મકાન વિભાગના યાંત્રિક વિભાગે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન સૂચના આપી રાઇડ્સની ચકાસણી શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત જામનગરથી ખાસ ટીમ આવી હતી. જેમના દ્વારા રાઇડ્સની ક્ષમતા, વેલ્ડિંગ સહિતની બાબતોનું ચેકિંગ કરી જરૂર જણાયે માર્કિંગ કરી સંચાલકોને જરૂરી સૂચના આપવામાં આવી છે. આ પછી ફાઇનલ સર્ટિફિકેટ આપવામાં આવશે.
જિલ્લા કલેકટર કચેરીના સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટના રેસકોર્સ મેદાનમાં આગામી 14થી 18 ઓગસ્ટ સુધી સાતમ આઠમના તહેવાર અંતર્ગત સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો યોજાશે. આ લોકમેળાને લઇ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને રેસકોર્સ મેદાન ખાતે રાઇડ્સ સંચાલકો દ્વારા યાંત્રિક રાઈડસ ઉભી કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. બીજી તરફ યાંત્રિક રાઈડ્સમાં બેસનારા લોકોની સુરક્ષાને ધ્યાને રાખી માર્ગ અને મકાન વિભાગના યાંત્રિક વિભાગ દ્વારા થર્ડ પાર્ટી એજન્સીને યાંત્રિક રાઇડ્સની ચકાસણીનું કામ સોંપવામાં આવ્યું છે. જે અંતર્ગત જામનગરની એજન્સી દ્વારા આજરોજ રેસકોર્સ મેદાન ખાતે યાંત્રિક રાઇડ બાબતે ચકાસણી હાથ ધરવામાં આવી હતી. હાલ 34 જેટલી યાંત્રિક રાઇડની ચકાસણી થર્ડ પાર્ટી એજન્સી દ્વારા કરવામાં આવી રહી છે. ખાસ કરીને જે યાંત્રિક રાઇડ લોકમેળામાં ઊભી થઈ રહી છે. તેમાં મેટલ કયુ વાપરવામાં આવેલું છે? તેમજ મેટલની થીક્નેસ કેટલી છે? તો સાથો સાથ વેલ્ડીંગ કામકાજ પ્રોપર છે કે કેમ તે સહિતની બાબતો અંગે ચકાસણી હાથ ધરવામાં આવી છે.