રાજકોટઃ શહેરમાં ગેરકાયદે બાંધકામો સામે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. મ્યુનિ. દ્વારા ગઈકાલે પૂર્વ ઝોનમાં આવેલા વોર્ડ નં.5માં માલધારી સોસાયટી, ભવાની રોડવેઝ વાળી શેરીમાં ગેરકાયદે બાંધકામ દુર કરવા માટે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં વોર્ડ નં.5માં આવેલ માલધારી સોસાયટી, ભવાની રોડવેઝ વાળી શેરીમાં અન-અધિકૃત રહેણાંક અને વાણિજ્ય હેતુથી બનાવવામાં આવેલી 5 દુકાન અને 1 મકાનનું બાંધકામ દુર કરવામાં આવ્યું હતું.

રાજકોટ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા પોલીસના સઘન બંદોબસ્ત સાથે  આજે સવારના ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા અનઅધિકૃત બાંધકામને દુર કરવા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા 260 (2) નોટિસ પાઠવી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં અંબિકા ટાઉનશીપ મુખ્યમાર્ગ 3ના ખૂણે વસંત વાટિકા ખાતે વાણિજ્ય હેતુ માટે ગેરકાયદેસર બાંધકામ ધ્યાને આવતા પ્રથમ કલમ 260(1) મુજબની નોટિસ પાઠવવામાં આવી તેમ છતાં ગેરકાયદેસર બાંધકામ દુર કરવામાં ન આવતા 260(2)ની નોટિસ પાઠવવામાં આવી હતી. જેના આધારે આજરોજ વાણીજ્ય હેતુનું અંદાજીત 150 ચો.મી.નું બાંધકામ દુર કરવામાં આવ્યું હતુ.

આ ડિમોલિશનમાં ટાઉન પ્લાનિંગ શાખા, વેસ્ટ ઝોન, આસી. ટાઉન પ્લાનર તથા તમામ આસી. એન્જિનીયર, એડી. આસી. એન્જિનિયર, હેડ સર્વેયર, સર્વેયર અને વર્ક આસિસ્ટન્ટ તેમજ અન્ય જુદી-જુદી શાખાઓ જેવી કે, જગ્યા રોકાણ શાખા, ફાયર વિભાગ, રોશની વિભાગ, કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વિજિલન્સનો પોલીસ સ્ટાફ તથા PGVCL તેમજ ગુજરાત ગેસનો સ્ટાફ સ્થળ પર હાજર રહ્યો હતો.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here