સુરતઃ રક્ષાબંધનના પર્વને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે બજારમાં રાખડીઓની અવનવી ડિઝાઈનની વેરાઈટી જોવા મળી રહી છે. આ વખતે રાષ્ટ્રપ્રેમથી છલકાતી રાખડીઓ બજારમાં ધૂમ મચાવી રહી છે. ‘ઓપરેશન સિંદૂર’ માં પાકિસ્તાન સામે ભારતના શૌર્ય અને શક્તિશાળી બ્રહ્મોસ મિસાઈલના પરાક્રમને યાદ કરતી ખાસ રાખડીઓ મહિલાઓમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બની છે. ભારતીય સેના અને બ્રહ્મોસ મિસાઈલના શૌર્યની ગાથા વિશ્વભરમાં ગુંજી રહી છે, ત્યારે હવે સુરતના જ્વેલર્સ આ ઐતિહાસિક ક્ષણને રાખડીઓમાં કંડારી રહ્યા છે. આ ખાસ રાખડીઓની વધુ એક વિશેષતા એ છે કે તે તિરંગાના રંગોવાળી દોરી સાથે સજ્જ છે.
સુરતના બજારમાં હાલ સોના અને ચાંદીમાંથી બનેલી બ્રહ્મોસ મિસાઈલની ડિઝાઈનવાળી નાની રાખડીઓની માગ વધુ છે. ‘બ્રહ્મોસ રાખડી’ તરીકે જાણીતી થયેલી આ રાખડીઓ ખૂબ જ લોકપ્રિય બની રહી છે. ચાંદીની બ્રહ્મોસ મિસાઈલવાળી રાખડી લગભગ 10 ગ્રામ વજનની છે અને તેની કિંમત અંદાજે 2500 રૂપિયા છે. જ્યારે, સોનાની બ્રહ્મોસ મિસાઈલવાળી રાખડી ખાસ 9 કેરેટ ગોલ્ડમાંથી તૈયાર કરવામાં આવી છે, 5થી 6 ગ્રામ વજનમાં તૈયાર થતી આ સોનાની રાખડીઓની કિંમત 60,000થી 80,000 રૂપિયા છે.
જ્વેલર્સના કહેવા મુજબ સોનાના ભાવ વધતાં 9 કેરેટ ગોલ્ડમાં રાખડીઓ બનાવી છે, જેને લોકો સૌથી વધુ પસંદ કરી રહ્યા છે. આ લાઇટવેટ અને ખૂબ જ એક્સપેન્સિવ લાગે તેવી રાખડી છે.’ જ્વેલર્સના શોરૂમમાં 500 રૂપિયાથી લઈને ‘નો લિમિટ’ સુધીની રાખડીઓ ઉપલબ્ધ છે, જેને રાખડી તરીકે પહેર્યા પછી પેન્ડન્ટ તરીકે પણ પહેરી શકાય છે. ‘બહેનનો જે રક્ષાનો પ્રતીક છે તે વર્ષોવર્ષ રહે તે માટે અમે પેન્ડન્ટની ડિઝાઈનમાં પણ રાખડીઓ બનાવીએ છીએ.’
સુરતના બજારોમાં રૂપિયા 100થી વધુની કિમતની રાખડીઓમાં પણ આ વખતે અવનવી ડિઝાઈન જોવા મળી રહી છે, રક્ષાબંધનના પર્વને ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે બહેનો રાખડી ખરીદવા આવી રહી છે. વેપારીઓના કહેવા મુજબ ગત વર્ષ કરતા રાખડી બજારમાં તેજી જોવા મળી રહી છે.