અંબાજીઃ સુપ્રિદ્ધ યાત્રાધામ એવા શક્તિપીઠ અંબાજી મંદિરમાં આજે અષાઢી પૂનમ અને ગુરુપૂર્ણિમાના પાવન અવસરે ભક્તિમય માહોલ સર્જાયો છે. વહેલી સવારથી જ માતાજીનાં દર્શન માટે ભાવિકોની લાંબી લાઈનો જાવા મળી હતી. માતાજીના દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા. બોલ મારી અંબે જય જય અંબે’ના જયઘોષથી મંદિરનો પરિસર ગુંજી ઊઠ્યો હતો.
આજે અષાઢી પૂનમને ગુરૂપૂર્ણિમાંના દિને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મા અંબાના દર્શન માટે આવી પહોંચ્યા હતા. અંબાજી મંદિરના મુખ્ય પૂજારી દ્વારા પ્રાતઃકાળે મંગળા આરતી કરવામાં આવી હતી. મંગળા આરતીનું વિશેષ મહત્ત્વ હોવાથી મોટી સંખ્યામાં ભક્તોએ આ દિવ્ય આરતીનો લાભ લીધો હતો. ‘બોલ મારી અંબે જય જય અંબે’ના જયઘોષથી સમગ્ર મંદિર પરિસર ગુંજી ઊઠ્યો હતો. અંબાજી મંદિરમાં વિશેષ આરતી ક્રમ અનુસરવામાં આવે છે. અંબાજી મંદિરમાં શક્તિ દ્વાર સુધી ભક્તોની લાંબી કતારો જોવા મળી રહી છે. મંદિરને આ ખાસ અવસર માટે રંગબેરંગી ફૂલોથી સુંદર રીતે શણગારવામાં આવ્યું છે. આજે સૌપ્રથમ ગણપતિબાપાની આરતી થઈ, ત્યાર બાદ મા અંબાજીની મંગળા આરતી યોજાય હતી. મંગળા આરતી પછી મહાદેવની આરતી કરવામાં આવે છે. આમ, શક્તિની આરાધના બાદ શિવની આરાધના કરવામાં આવે છે.
યાત્રાધામ અંબાજીમાં દરરોજ હજારો-લાખોની સંખ્યામાં ભક્તો મા અંબાનાં દર્શને આવે છે. આજે ખાસ ગુરુપૂર્ણિમાના વિશેષ દિવસે મંદિર પરિસરમાં અનેરો ભક્તિભાવ જોવા મળ્યો હતો. ભક્તો માતાજીનાં ચરણોમાં શીશ નમાવી ધન્યતા અનુભવી રહ્યા છે. ભક્તો મંદિરમાં દર્શન કર્યાં બાદ માતાજીના મૂળ સ્થાનક ગબ્બર ખાતે પણ દર્શન કરવા જાય છે. આ રીતે અષાઢી પૂનમના દિવસે અંબાજી મંદિર ભક્તિમય વાતાવરણથી ગુંજી ઊઠ્યું છે.