અંબાજીઃ અરવલ્લીની પર્વતમાળાનું આધ્યાત્મિક કેન્દ્રબિંદુ એટલે અંબાજી માતા મંદિર. ગુજરાત સહિત સમગ્ર દેશ અને વિશ્વમાં જાણીતાં તથા કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાનાં પ્રતીક અંબાજી યાત્રાધામ ખાતે ભાદરવી પૂનમના મેળા સહિત તમામ પૂનમે અને લગભગ આખું વર્ષ પણ લાખો શ્રદ્ધાળુઓ ઉમટે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં તેમજ મુખ્મયંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આ યાત્રાધામનો બહુમુખી વિકાસ થતો રહ્યો છે અને રાજ્ય સરકાર હવે અંબાજી યાત્રાધામને મૉડેલ ટેમ્પલ ટાઉનના બેન્ચમાર્ક તરીકે વિકસાવવા માંગે છે. તેના માટે રાજ્ય સરકારે રૂ. 1632 કરોડનો મેગા માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. મુખ્યમંત્રીની આ માસ્ટર પ્લાનના અમલીકરણ પર સીધી દેખરેખ રાખી રહ્યાં છે, તો રાજ્યકક્ષાના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ પણ તાજેતરમાં માસ્ટર પ્લાનના અમલીકરણ અંગે મહત્વની બેઠક કરી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતાં, ત્યારે તેમણે પણ અંબાજીના વિકાસ માટે અનેક સફળ પ્રયાસો હાથ ધર્યા હતાં. નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન બન્યા બાદ ‘વિકાસ ભી, વિરાસત ભી’નો મંત્ર આપી સમગ્ર દેશના આસ્થા કેન્દ્રોનુ અભૂતપૂર્વ વિકાસ અભિયાન ચલાવ્યું છે. વડાપ્રધાનના આ જ મંત્રને આગળ ધપાવતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ રાજ્યના તમામ યાત્રાધામોને શ્રદ્ધાળુઓ માટે આધ્યાત્મિક અનુભૂતિનું કેન્દ્ર બનાવવા માટે અનેક પગલાં ભરી રહ્યાં છે.
તદ્અનુસાર; રાજ્ય સરકારે બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં અરવલ્લી પર્વતમાળા વચ્ચે આવેલા અંબાજી માતા મંદિર પરિસરને આગામી 50 વર્ષની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી આ માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે કે જે બે તબક્કામાં લાગુ થશે. પહેલા તબક્કાનું કામ આગામી ટુંક સમયમાં શરૂ થઈ જશે. માસ્ટર પ્લાન હેઠળ સમગ્ર અંબાજી
યાત્રાધામની વિવિધ જરૂરિયાતોનો સમાવેશ અને સંકલન કરવામાં આવ્યો છે. આ માસ્ટર પ્લાનનો હેતુ પવિત્ર સ્થળોને એકીકૃત કરીને અને યાત્રાળુઓની સુવિધાઓમાં સુધારો કરીને યાત્રાધામો માટે નવું ધોરણ (બેન્ચમાર્ક) સ્થાપિત કરવાનો છે.