ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે વિમાન દુર્ઘટનાના પીડિતોને મળી તેમના ખબરઅંતર પૂછ્યા હતા અને હતભાગીઓના પરિવારજનોની મુલાકાત લઈ, તેમને સાંત્વના પાઠવી હતી.
ત્યાર બાદ મુખ્યમંત્રીએ મંત્રીશ્રીઓ તથા રાજ્યના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી, રાહત-બચાવની સમગ્ર કામગીરીની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપ્યાં હતાં.
અમદાવાદ ખાતે ગત તા. 12 જૂનના રોજ થયેલી વિમાન દુર્ઘટના બાદ આરોગ્ય વિભાગ અને સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા સતત ખડેપગે રહીને ઇજાગ્રસ્તોને સારવાર આપવાની તેમજ હતભાગીઓના ડીએનએ મેપિંગથી માંડીને તેમના નશ્વર દેહ પરિજનોને સોંપવાની કામગીરી કરવામાં આવી રહી છે.
દરમિયાન, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. જ્યાં તેઓએ હોસ્પિટલના D2 બ્લોક ખાતે કાર્યાન્વિત કરાયેલા વેરિફિકેશન રૂમની મુલાકાત લીધી હતી તેમજ સારવાર લઈ રહેલા દર્દીઓના સ્વજનોને સાંત્વના પાઠવી હતી.