ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધોલેરા SIRના સર્વાંગી વિકાસના કામોની પ્રગતિની પ્રત્યક્ષ સમીક્ષા ધોલેરાની સ્થળ મુલાકાત લઈને કરી હતી. મુખ્યમંત્રીએ રાજ્યના વિવિધ વિકાસલક્ષી કાર્યોના મોટા પ્રોજેક્ટસની પ્રગતિ અને કામગીરીના નિરીક્ષણ તથા જરૂરી માર્ગદર્શન માટે આવા પ્રોજેક્ટસની સાઈટ મુલાકાતનો ઉપક્રમ શરૂ કર્યો છે.
આ ઉપક્રમે આગળ ધપાવતાં મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનથી ગુજરાતમાં આકાર પામી રહેલા વર્લ્ડ કલાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથેના ધોલેરા SIR અને સ્માર્ટ સિટીના વિવિધ વિકાસ કામોનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું. તેમણે વિવિધ પ્રોજેક્ટસની પ્રગતિની સમીક્ષા માટે ધોલેરામાં રીવ્યુ બેઠક પણ યોજી હતી.
આ રીવ્યુ બેઠકમાં ધોલેરા SIRના CEO અને ધોલેરા ઈન્ડસ્ટ્રીયક સિટી ડેવલ્પમેન્ટ લિમીટેડના એમ.ડી. શ્રી કુલદીપ આર્યએ મુખ્યમંત્રી અને મુખ્ય સચિવ સહિતના વરિષ્ઠ સચિવો સમક્ષ વિસ્તૃત પ્રેઝન્ટેશન પ્રસ્તુત કર્યું હતું.
મુખ્યમંત્રી સમક્ષના આ પ્રેઝન્ટેશનમાં માળખાકીય સુવિધાના મહત્વપૂર્ણ પ્રોજેક્ટસ અંગેની વિગતો આપતા જણાવવામાં આવ્યું હતું કે, અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસવેની 95 ટકા કામગીરી પૂરી થઈ ગઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બાકી રહેલી કામગીરી અંગેની વિગતો મેળવવા સાથે આ કામો સમય બદ્ધ અને ગુણવત્તા યુક્ત પૂર્ણ થાય તે માટે માર્ગદર્શન આપ્યું હતું.