મહેસાણાઃ શહેરમાં રાધનપુર ચોકડી નજીક આવેલા બાળ ઓબ્ઝર્વેશન હોમમાંથી હત્યાના પાંચ અને દુષ્કર્મના ગુનાનો એક મળી છ બાળ આરોપીઓ સિક્યુરિટી ગાર્ડને ધક્કો મારીને નાસી જતાં ચકચાર મચી ગઈ છે. આ બનાવની પોલીસને જાણ કરાતા પોલીસે 6 કિશોર આરોપીઓની શોધખોળ આદરી છે. પણ હજુ પત્તો લાગ્યો નથી. દરમિયાન બાળ ઓબ્ઝર્વેશન હોમના સિક્યુરિટી ગાર્ડના કહેવા મુજબ ગુનાના આરોપી છ કિશોરોએ ગેટ ખુલતાં મગપરાના રસ્તેથી નાસી ગયા હતા. છેલ્લા દોઢ વર્ષમાં બાળ આરોપીઓ ભાગી જવાની આ ત્રીજી ઘટના છે. જેને લઇ સંવેદનશીલ જગ્યામાં પાંગળી સિક્યુરિટી વ્યવસ્થા સામે પણ સવાલો ખડા થયા છે.
મહેસાણા શહેરમાં રાધનપુર ચાર રસ્તા નજીક શહેરની મધ્યમાં આવેલું ઝોનલ ઓબ્ઝર્વેશન હોમ ફરી એકવાર વિવાદમાં આવ્યું છે. વિવિધ ગુનામાં કાયદાના સંઘર્ષમાં આવતા કિશોરોને મહેસાણા સ્થિત ઓબ્ઝર્વેશન હોમમાં રાખવામાં આવે છે, પણ ગંભીર પ્રકારના ગુનાના કારણે કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરોને સાચવવા ઓબ્ઝર્વેશન હોમ માટે પણ કઠિન સાબિત થાય છે. મહેસાણા સ્થિત ઝોનલ ઓબ્ઝર્વેશન હોમમાંથી કુલ 6 કિશોરો ફરાર થઇ ગયા છે. ગંભીર ગુનાના આરોપી 6 કિશોરો નાસી જતા અફડા-તફડી મચી ગઈ હતી. પોલીસે શોધખોળ કરી પણ આરોપી કિશોરોનો કોઈ અત્તાપત્તો લાગ્યો નથી.
સૂત્રોના જણાવ્યા મુજબ મહેસાણા ઓબ્ઝર્વેશન હોમ દ્વારા વારંવાર સિક્યુરિટી વધારવા માંગ કરાઈ છે, પણ સિક્યુરિટી વધારવામાં આવતી નહોતી. પૂરતી સિક્યુરિટીનો અભાવ અને ફરજ ઉપરના સિક્યુરિટી ગાર્ડની લાપરવાહીના કારણે મહેસાણા ઓબ્ઝર્વેશન હોમમાંથી 6 કિશોર ભાગી જતા પોલીસ સહિતનું તંત્ર દોડતું થઇ ગયું છે. મહેસાણા ઓબ્ઝર્વેશન હોમમાં હાલ 60 બાળ આરોપીને સુધારણા માટે રખાયાં છે. અહીં સિક્યુરિટીની જવાબદારી ખાનગી વીર સિક્યુરિટી એજન્સીને અપાયેલી છે. સવારે 8-30 વાગ્યાના અરસામાં બે સિક્યુરિટી ગાર્ડ પૈકી એક ગાર્ડ પાણીની મોટર ચાલુ કરવા ગયો હતો. જ્યારે બીજો ગાર્ડ ગેટ આગળ ઊભો હતો, તે સમયે હત્યાના ગુનાના પાંચ અને દુષ્કર્મના ગુનાના એક સહિત છ બાળ આરોપીઆ ગેટ આગળ ઊભેલા ગાર્ડને ધક્કો મારી નાસી ગયા હતા. પોલીસને જાણ કરતાં શોધખોળ માટે પોલીસે બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, ખાનગી વાહનો જ્યાં ઊભાં રહે છે તે તમામ સ્થળોએ તપાસ કરી હતી. પીએસઆઇ એમ.એન. ભોણાએ કહ્યું કે, સીસીટીવી કેમેરા જોતાં ગાર્ડને ધક્કો મારીને છ બાળકો બહાર નાસી ગયા છે. શોધખોળ ચાલુ છે.