વડોદરાઃ હાઈવે પર પાદરા નજીક ગંભીરા ગામ પાસે મહીસાગર નદી પરનો બ્રિજ તૂટી પડતા અનેક વાહનો નદીમાં ખાબક્યા હતા. જેમાં 20 લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે એક વ્યક્તિ હજુ લાપત્તા છે. આ દૂઃખદ ઘટનાને 11 દિવસ વિતી ગયા છતાંયે તૂટી ગયેલા બ્રિજ પર લટકી રહેલા ટેન્કરને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી નથી. ટેન્કર માલિક અને ડ્રાઇવર પુલ પર લટકતું ટેન્કર દૂર કરવા માટે સરકારી કચેરીઓના ચક્કર લગાવી રહ્યા છે. અને અધિકારીઓ એકબીજાને ખો આપી રહ્યા છે.

પાદરા નજીક હાઈવે પરના મહીસાગર નદી પરનો ગંભીરા બ્રિજ ગઈ તા, 9 જુલાઈના રોજ સવારના સમયે તૂટી પડ્યો હતો. આથી હાઈવે પર જઈ રહેલા વાહનો નદીમાં ખાબક્યા હતા. આ અકસ્માતમાં 20 લોકોના મોત થયા હતા અને એક યુવાન હજુ પણ ગુમ છે. તૂટી ગયેલા બ્રિજ પર છેલ્લ 11 દિવસથી એક ટેન્કર લટકી રહ્યું છે. આ લટકી રહેલા ટેન્કરને હટાવવું કઈ રીતે તે મોટો પ્રશ્ન છે. ટેન્કરના ડ્રાઇવર રવિન્દ્ર કુમારે જણાવ્યું કે, હું અમદાવાદથી ટેન્કર ખાલી કરીને દહેજ જઈ રહ્યો હતો. સામેથી એક ટેન્કર આવી રહ્યું હતું અને મારી આગળ એક કાર જઈ રહી હતી. ત્યાંથી અચાનક પુલનો સ્લેબ તૂટી ગયો. બે સેકન્ડમાં પુલનો સ્લેબ નદીમાં પડી ગયો. સામેથી આવતા ટેન્કરે મારા ટેન્કરને ટક્કર મારી અને તે ટેન્કર નદીમાં પડી ગયું હતું.  મેં હેન્ડબ્રેક લગાવીને ટેન્કર રોક્યું. હું ટેન્કરમાંથી કૂદી પડ્યો અને બેભાન થઈ ગયો. બે-ત્રણ કલાક પછી મેં પરિવારનો સંપર્ક કર્યો. પરિવારને ખબર પડી કે હું આ ટેન્કર ચલાવી રહ્યો છું. બાદમાં પોલીસ મને પોલીસ સ્ટેશન લઈ ગઈ. મને ખબર નહોતી કે ત્યાં શું થયું છે. હું પ્રશાસનને અપીલ કરું છું કે તૂટેલા પુલ પર લટકતી ટેન્કર ત્યાંથી દૂર કરવામાં આવે. જેથી અમે ટેન્કર ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવી શકીએ.

આ ટેન્કર માલિક રામાશંકર પાલે જણાવ્યું કે, આણંદમાં સરકારી કચેરીના અધિકારીઓ વડોદરાને દોષી ઠેરવી રહ્યા છે, અને વડોદરાના અધિકારીઓ આણંદને દોષી ઠેરવી રહ્યા છે. અમે આણંદ અને વડોદરામાં સરકારી કચેરીઓની મુલાકાત લઈને કંટાળી ગયા છીએ. એક અધિકારીએ જવાબ આપ્યો કે ટેન્કર ત્યારે જ ઉપલબ્ધ થશે જ્યારે નવો પુલ બનશે અને જૂનો પુલ તોડી પાડવામાં આવશે. બીજા અધિકારીએ જવાબ આપ્યો કે સેનાને હેલિકોપ્ટર દ્વારા ટેન્કર દૂર કરવા માટે પણ વિનંતી કરવામાં આવી છે. બીજા અધિકારીએ કહ્યું કે આ અકસ્માત તમારા ટેન્કરને કારણે થયો છે.

ટેન્કરનો માલિક કહે છે કે, ડ્રાઇવરનો ફોન આવતાની સાથે જ હું તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો. 11 દિવસ પછી પણ મને મારું વાહન મળ્યું નથી. સદનસીબે મારા ટેન્કરનો ડ્રાઇવર બચી ગયો. આ ટેન્કર લોન છે અને દર મહિને 1 લાખ રૂપિયાનો બેંક હપ્તો આવે છે. જો ટેન્કર ચાલે તો હું બેંક હપ્તો ચૂકવી શકીશ. હવે નવો પુલ બને ત્યાં સુધી અમારે ટેન્કરની રાહ જોવી પડશે. મેં કલેક્ટરને એક મેમોરેન્ડમ સુપરત કર્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here