ગાંધીનગરઃ ગુજરાત ફ્રન્ટિયર, મુખ્યાલય, ગાંધીનગર ખાતે આજે ઇન્સ્પેક્ટર જનરલ દ્વારા પત્રકાર પરિષદનું અને વિવિધ શસ્ત્રોના પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ અને ગુજરાત ફ્રન્ટિયરના ભૂપ્રદેશ અને મુશ્કેલ ભૌગોલિક પરિસ્થિતિઓ વિશે માહિતી આપતાં ગુજરાત ફ્રન્ટિયરના ઇન્સ્પેક્ટર જનરલ અભિષેક પાઠકે જણાવ્યું હતું કે, બોર્ડર સિક્યુરિટી ફોર્સ ભારત-પાકિસ્તાન અને ભારત-બાંગ્લાદેશ સરહદનું રક્ષણ કરે છે. જમ્મુ-કાશ્મીરના બરફીલા શિખરોથી લઈને ભારત-પાકિસ્તાન સરહદ પર ગુજરાતના સર ક્રીક સુધી, બોર્ડર સિક્યુરિટી ફોર્સ દરેક ક્ષણે માતૃભૂમિની રક્ષા માટે સમર્પિત છે.

ગુજરાત ફ્રન્ટિયર આ બોર્ડર સિક્યુરિટી ફોર્સનો એક મહત્વપૂર્ણ ભાગ છે જે રાજસ્થાનના બાડમેર જિલ્લાથી લઈને સમગ્ર ગુજરાત રાજ્યમાં સર ક્રીક સુધીની ભારતની પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય સરહદની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે. ગુજરાત ફ્રન્ટિયરનો જવાબદારીનો વિસ્તાર ખૂબ જ મુશ્કેલ અને પડકારોથી ભરેલો છે. જો આપણે બાડમેરની વાત કરીએ, તો ત્યાં તપતું રણ, ઊંચા રેતીના ટેકરાઓ છે, જ્યાં ઉનાળામાં તાપમાન 50 ડિગ્રી સુધી જાય છે. આવા પ્રતિકૂળ હવામાન, જ્યાં છાંયડા માટે કંઈ ઉપલબ્ધ નથી, આપણા સૈનિકો હવામાનને ધ્યાનમાં લીધા વિના દિવસ-રાત દેશની સરહદનું રક્ષણ કરી રહ્યા છે.

ગુજરાત રાજ્યની ભારત-પાકિસ્તાન સરહદ પણ એક અનોખું ભૌગોલિક ચિત્ર રજૂ કરે છે. અહીં ક્યાંક રણ છે કયાંક ખારોપાટ, બંને એવા વિસ્તારો છે, જ્યાં કળણવાળી જમીન, ખારાશ અને આબોહવા ગરમ અને ભેજવાળી રહે છે. અવરજવરના માર્ગો ખૂબ જ મર્યાદિત છે. સૈનિકોને કળણવાળી જમીન પર પગપાળા પેટ્રોલિંગ અથવા અન્ય કોઈપણ પ્રવૃત્તિ કરવી પડે છે. વધુમાં તેમણે 22 એપ્રિલ 2025ના રોજ પહેલગામમાં થયેલા નિર્મમ હત્યાકાંડની નિંદા કરી અને કહ્યું કે આ આતંકવાદી હુમલાએ આખા દેશને હચમચાવી નાખ્યો અને ભારતને જરૂરી કાર્યવાહી કરવાની ફરજ પાડી હતી.

તેમણે માહિતી આપતા જણાવ્યું કે, ગુપ્તચર શાખાને પાકિસ્તાન સેનાની હલચલની માહિતીની સાથે જ પાકિસ્તાને ગુજરાતને અડીને આવેલી સરહદ પર ટેન્ક અને તોપખાના ગોઠવી દીધા હોવાની માહિતી મળી હતી. ગુજરાત ફ્રન્ટિયરે દુશ્મનને યોગ્ય જવાબ આપવા માટે તૈયારી શરૂ કરી દીધી અને તમામ સરહદી ચોકીઓ પર ઉચ્ચ કેલિબરના શસ્ત્રો અને સર્વેલન્સ સાધનો તૈનાત કર્યા હતા. સરહદ પર મહત્તમ સૈનિકો અને અધિકારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા. આ પડકારજનક સમયમાં, BSFના ડિરેક્ટર જનરલે સૌથી મુશ્કેલ ખાડી વિસ્તારની મુલાકાત લીધી અને ત્યાં હાજર દળના કર્મચારીઓને માર્ગદર્શન આપ્યું હતું. આ સાથે, અન્ય અધિકારીઓ પણ સૈનિકોનું મનોબળ વધારવા માટે સરહદી ચોકીઓની મુલાકાત લેતા રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here