ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના વિભાગોના વરિષ્ઠ સચિવો સાથે એક બેઠક યોજીને આ વર્ષના બજેટની જોગવાઈઓ સામે પ્રથમ ત્રિ-માસિક કામગીરીની પ્રગતિની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ, મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર ડૉ. હસમુખ અઢિયા અને મુખ્ય સચિવ પંકજ જોષી પણ ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના સંકલ્પમાં ગુજરાતને અગ્રેસર રાખવા માટે વિકસિત ગુજરાત રોડમેપના સમયબદ્ધ કાર્યઆયોજન માટે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે ખાસ કરીને જનકલ્યાણલક્ષી યોજનાઓમાં સેચ્યુરેશન એપ્રોચ અપનાવીને જરૂરિયાતમંદ લાભાર્થીઓને 100 ટકા લાભ પહોંચાડવા અને બજેટના લક્ષ્યાંકો સિદ્ધ કરવા સૂચનો કર્યા હતા.

બેઠકમાં નાણાં વિભાગે રજૂ કરેલી વિગતો અનુસાર, રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા તેમના બજેટની યોજનાકીય જોગવાઈઓના અમલ માટેના ખર્ચમાં પ્રથમ ત્રિ-માસિક સમયગાળામાં ગત વર્ષ કરતાં સમગ્રતયા 23.4 ટકાનો વધારો થયો છે. આ ઉપરાંત, બજેટમાં સમાવિષ્ટ કરવામાં આવેલી નવી બાબતોની 98 ટકાથી વધુ વહીવટી મંજૂરીઓ પણ પ્રથમ ક્વાર્ટરમાં જ આપી દેવામાં આવી છે. આ આંકડા રાજ્ય સરકારની બજેટના અમલ માટેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here