અમરેલીઃ ભાવનગર-સોમનાથ વચ્ચેનો કોસ્ટલ હાઈવે કરોડો રૂપિયાના ખર્ચે બનાવાયો છે. આ નવા નક્કોર નેશનલ હાઈવે પર રોડમાં તિરાડો જોવા મળી રહી છે. જ્યારે રાજુલાના ચારનાળા નજીક આવેલા બ્રિજ પર બંને તરફ રોડમાં મોટી તિરાડો પડી ગઈ છે. અને એક તરફનો બ્રિજ નીચે બેસી જતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ફોરવ્હીલ સહિતના વાહનો બ્રિજ પરથી પસાર થાય ત્યારે ઉછળકૂદ કરે છે, જેનાથી અકસ્માતની શક્યતા વધી ગઈ છે. રોડ બન્યાંના એક જ વર્ષમાં નેશનલ હાઈવેની બદતર હાલત થઈ ગઈ છે. ત્યારે નેશનલ હાઈવે ઓથોરીટીના અધિકારીઓ નિષ્ક્રિય બન્યા છે.
વડોદરા નજીક તાજેતરમાં ગંભીરા બ્રિજ તૂટી પડવાની ઘટના બાદ સમગ્ર ગુજરાત રાજ્યમાં માર્ગ મકાન વિભાગ અને વિવિધ વિભાગો એક્શન મોડમાં છે અને માર્ગોની મરામત કરી રહ્યું છે. ત્યારે ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવેની બદતર હાલત પર કોઈ ધ્યાન અપાતું નથી. ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે હોવાથી દિવ, સોમનાથ સહિત પ્રવાસન સ્થળ હોવાથી ગુજરાત સહિત અલગ અલગ રાજ્યના લોકો આ નેશનલ હાઇવેથી પસાર થાય છે. હાઈવે પર મોટી તિરાડો જોવા મળી રહી છે. હાઈવે બનાવવામાં મોટો ભ્રષ્ટાચાર અને નબળી ગુણવત્તાના કારણે તિરાડી પડી હોય શકે. બીજી તરફ અહીં એક સાઈડ બ્રિજ બેસી જવાના કારણે વાહનચાલકો ઉછળી રહ્યા છે. પૂરપાટ સ્પીડમાં આવતાં વાહન નાના મોટા ફોરવ્હીલ સહિત ચાલકો અહીં બેસી ગયેલા બ્રિજ પર પસાર થાય છે, ત્યારે ઓચિંતા વાહનો છલાંગ મારે છે. આ બ્રિજને વધુ સમય નથી થયો, છતાં નિર્દોષ લોકોના ભોગ લેવાશે, ત્યારે તંત્રની આંખો ખુલશે.
ભાવનગરથી લઈ સોમનાથ નેશનલ હાઇવે ઉપર અનેક આવા બ્રિજ છે, કેવું કામ છે, કેવી ગુણવત્તાનું કામ કર્યું છે. તેની તપાસ કરીને સરકારે પગલાં લેવા જોઈએ. વાહનચાલકોના કહેવા મુજબ હાઈવેની કામગીરી બહુ નબળી છે. છેક ભાવનગરથી લઈ ઉના સુધી હાઈવે બિસ્માર હાલતમાં છે. ત્યારે રોડ બનાવનારા કોન્ટ્રાકટરો સામે સરકારે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ
અમરેલી જિલ્લામાં માર્ગ મકાન અને પંચાયત વિભાગ દ્વારા 18 જેટલા ઇજારદારોને વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી છે. જેના કારણે કોન્ટ્રાક્ટરોએ સ્વખર્ચે કેટલાક ગેરેન્ટી પિરિયડવાળા માર્ગો ઉપર સમારકામ શરૂ કર્યું, પરંતું અહીં નેશનલ ઓથોરિટી દ્વારા કામ કરતી એજન્સીઓની તપાસ નથી કરી અને કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ત્યારે હાઈવે ઓથોરિટીના અધિકારીઓ, પ્રભારી સચિવ, કલેક્ટર સહિત ઉચ્ચ અધિકારીઓ દ્વારા નેશનલ હાઇવે ઉપર સર્વે અને વિઝિટ કરવાની માંગ કરવામાં આવી હતી.