ભાવનગરઃ શહેરમાં 6 વર્ષ પહેલા એક શાળામાં શિક્ષકે ત્રણ વિદ્યાર્થિનીઓની જાતીય સતામણી કરી હતી. શિક્ષક માસુમ વિદ્યાર્થિનીઓને મોબાઈલમાં અશ્લિલ વિડિયો બતાવીને પરેશાન કરતો હતો. આખરે કંટાળીને વિદ્યાર્થિનીઓને તેમના માત-પિતાને જાણ કરતા હોબાળો મચી ગયો હતો. અને શાળાના શિક્ષક સામે જે તે સમયે ગુનો નોંધાયો હતો. આ અંગેનો કેસ ભાવનગરની અદાલતમાં ચાલી જતા અદાલતે આરોપી શિક્ષકને કસુરવાન ઠેરવી જુદી જુદી કલમો હેઠળ ત્રણ વર્ષની સજા અને રોકડ દંડ ફટકાર્યો છે.

આ બનાવની વિગત એવી હતી કે,  ભાવનગર શહેરમાં આવેલી એક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા આરોપી દિશાંતભાઈ અમૃતલાલ મકવાણાએ તા.17-7-2019 નાં રોજ સ્કુલમાં અભ્યાસ કરતી ત્રણ વિદ્યાર્થીનીઓને સ્કુલમાં બપોરના આશરે ત્રણેક વાગ્યાના સુમારે રીસેસના સમયમાં સ્કુલના છોકરાઓ બધા બહાર જતા રહ્યા બાદ  ક્લાસમાં ત્રણેય દિકરીઓ હાજર હતી. ત્યારે શિક્ષક આરોપી દિશાંત મકવાણાએ (ઉ.વ.39, રહે.વર્ષા સોસાયટી પ્લોટ નં.5, સુભાષનગર, ભાવનગર) ત્રણેય વિદ્યાર્થીનીઓ પાસે આવી પોતાનો મોબાઈલ ચાલુ કરી અશ્લિલ વીડિયો બતાવ્યો હતો. આ વખતે ત્રણેય વિદ્યાર્થીનીઓએ ખરાબ વિડીયો જોવાની ના પાડતા શિક્ષક આરોપીએ પરીક્ષામાં નાપાસ કરવાની ધમકી આપી હતી. ત્યારબાદ ત્રણેય વિદ્યાર્થિનીઓ પાસે પગ દબાવવાનું કહી આરોપી સુઇ ગયો હતો. અને પગ દબાવડાવ્યા હતા. રીસેસ પુરો થતા સ્કુલના બધા છોકરાઓ આવવાનો સમય થતા આરોપી શિક્ષક ઉભો થઈ ગયો હતો અને ત્રણેય વિદ્યાર્થિનીઓને આ વાત કોઇને કહેશો તો પરીક્ષામાં નાપાસ કરીશ તેવી ધમકી આપી હતી. આ બાબતની વિદ્યાર્થિનીઓએ પોતાના વાલીઓને વાત કરતા હોબાળો મચ્યો હતો.

આરોપી શિક્ષક સામે એવી પણ ફરિયાદો ઊઠી હતી કે, શાળામાં છોકરા-છોકરીઓને ચાલુ કલાસમાં ઊભા રખાવી સામ સામે થપ્પડો મરાવી તેમજ સ્કુલના છોકરા-છોકરીઓને પેશાબ લાગે ત્યારે કલાસની બહાર જવા નહી દઇ તેમજ સ્કુલના વિદ્યાર્થીઓને લોખંડની ફુટપટીથી અવાર નવાર માર મારતો હતો.

આ બનાવ અંગે જે તે સમયે ભાવનગર શહેરના ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં ફરીયાદીએ તા.23-7-2019 ના રોજ ફરિયાદ નોંધાવતા પોલીસે ઈ.પી.કો. કલમ 354(એ), તથા 323 તેમજ પોસ્કો એક્ટ 12 તથા 18 તેમજ જુલ્વેનાઇલ જસ્ટીસ એક્ટ 75 મુજબનો ગુનો નોંધી આરોપી દિશાંતભાઈ અમૃતલાલ મકવાણાને ઝડપી લઈ જેલ હવાલે કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here