ભાવનગરઃ શહેરના ઘોઘા રોડ પર એક બિલ્ડિંગના નિર્માણનું કામ ચાલી રહ્યું હતુ, ત્યારે આજે વહેલી સવારે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. બિલ્ડિંગની આ કન્સ્ટ્રક્શન સાઇટ પર સિમેન્ટ-કોંક્રિટ મિક્સર ટ્રક સિમેન્ટ, રેતી અને કપચીનું મિશ્રણ ખાલી કરી રહ્યો હતો ત્યારે અચાનક પોચી જમીનને લીધે પલટી ખાધી હતી. આ દુર્ઘટનામાં સાઇટ પર કામ કરી રહેલા બે શ્રમજીવીઓ મિક્સર નીચે દબાઈ ગયા હતા. જેમાંથી એકનું સારવાર દરમિયાન મોત થયું છે.

આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, શહેરના ઘોઘા રોડ પર એક નિર્માણાધિન બિલ્ડિંગમાં એક ટ્રક મિક્ચરમાંથી કપચી અને રેતી ઠલવાતી હતી ત્યારે જમીનમાં ટ્રક મિક્સચરના એક તરફના ટાયરો ઉતરી જતા ટ્રક મિક્સરે પલટી ખાધી હતી. જેમાં બે જણા દબાયા હતા. આ બનાવની જાણ થતાં શહેરના બી ડિવિઝન પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. બચાવ કામગીરીની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફાયર બ્રિગેડે ત્રણ હેવી ડ્યુટી ક્રેન મંગાવી હતી. સલામતીના તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને ફાયર બ્રિગેડના જવાનોએ અથાગ પ્રયત્નો બાદ મિક્સર ટ્રકને બહાર કાઢવામાં સફળતા મેળવી હતી.  આ દુર્ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા બંને શ્રમજીવીઓને તાત્કાલિક સર ટી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જોકે, સારવાર દરમિયાન સાઇટ એન્જિનિયર હિરેનભાઈ મહેતાનું મોત થયું છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે એકત્રિત થયા હતા. પોલીસે આ અકસ્માત અંગે તપાસ શરૂ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here