ભાવનગરઃ શહેરમાં માથાભારે અને અસામાજિક તત્વોમાં પોલીસનો કોઈ ડર ન હોય તેમ ગુંડા તત્વો બેફામ બની રહ્યા છે. શહેરના વિદ્યાનગર વિસ્તારમાં આવેલી અનંત કો.ઓપરેટીવ સોસાયટીમાં પાર્ક કરેલી કાર પાસે ઊબા રહીને ત્રણ જેટલા શખસો રાતના સમયે ખુલ્લેઆમ ગાંજાનું સેવન કરી રહ્યા હતા.ત્યારે સોસાયટીમાં રહેતા એક વ્યક્તિ ત્યાંથી પસાર થતાં તેમણે ભણેય શખસોની સોસાયટીની બહાર જતા રહેવાનું કહ્યું હતું. અને પોલીસને પણ જાણ કરવામાં આવતા ત્રણેય શખસો ત્યાંથી જતા રહ્યા હતા. દરમિયાન મોડી રાતે ત્રણેય શખસોએ પરત ફરીને સોસાયટીમાં રહેતા ચિંતનભાઇ શાહને ઢોર મારમારી, ઇજા કરી, ચિંતનભાઇના ઘરમાં ઘુસવાનો પ્રયત્ન કર્યો હતો અને બાદમાં પેટ્રોલ લઇ આવી ચિંતનભાઇની ઇનોવા કાર, ડો. જગદીશસિંહની હોન્ડા સીટી તેમજ ડો. જગદીશસિંહના પત્નિ કુમુદીનીબાની શેવરોલેટ સહિત ત્રણેય કારોને પેટ્રોલ છાંટી આગ ચાંપી દેતા રહીશોમાં ભારે ભય ફેલાયો હતો.

આ બનાવની વિગત એવી જાણવા મળી છે કે, શહેરના પોશ વિસ્તાર સમા વિદ્યાનગરમાં આવેલી અનંત કો.ઓપરેટીવ સોસાયટીમાં ત્રણ જેટલા માથાભારે શખસો મોડીરાત્રીના ખુલ્લેઆમ ગાંજાનું સેવન કરી, ત્યાં રહેતા રહીશોની કારને ટેકો આપી, જાહેરમાં ગાળો બોલતા હતા તે વેળાએ તેમના પડોશી હરદેવસિંહ રાઠોડ ત્યાંથી પસાર થતા હતા જે વેળાએ આ ત્રણેય શખસોને ટપારીને સોસાયટીમાંથી જતા રહેવાનું કહ્યું હતુ. અને પોલીસને પણ જાણ કરવામાં આવી હતી, આથી ત્રણેય શખસો ત્યાંથી જતા રહ્યા હતા અને બાદમાં ફરી મોડી રાત્રીએ આવી ત્રણેય શખ્સોએ સોસાયટીમાં રહેતા ચિંતનભાઇ શાહને ઢોર મારમારી, ઇજા કરી, ચિંતનભાઇના ઘરમાં ઘુસવાનો પ્રયત્ન કર્યો હતો અને બાદમાં પેટ્રોલ લઇ આવી ચિંતનભાઇની ઇનોવા કાર, ડો. જગદીશસિંહની હોન્ડા સીટી તેમજ ડો. જગદીશસિંહના પત્નિ કુમુદીનીબાની શેવરોલેટની મોંઘી ત્રણેય કારોને પેટ્રોલ છાંટી આગ ચાંપી દેતા રહીશોમાં ભારે ભય ફેલાયો હતો. આગની જાણ કરાતા ફાયર બ્રિગેડે સ્થળ પર આવી કારની આગ બુઝાવી નાંખી હતી જે મામલે ચિંતનભાઇની ફરિયાદ મુજબ નિલમબાગ પોલીસે હિંમતભાઇ વાઘેલા, અભિષેક વિનોદભાઇ સોલંકી અને કુંજ અશોકભાઇ બોરીચા વિરૂદ્ધ ફરિયાદ નોંધી હતી.

સોસાયટીના રહીશોના કહેવા મુજબ સોસાયટીના બહાર આવેલા મુકેશ પાન અને બંટી પાનનો ગલ્લા નશાનું કેન્દ્ર બન્યા છે જ્યાં નશો કરી કેટલાક માથાભારે શખસો સોસાયટીમાં આતંક ફેલાવે છે. ત્રણ કારને સળગાવી દિધા બાદ બીજા દિવસે સવારે નિલમબાગ પોલીસ સક્રિય થઇ હતી અને તપાસ હાથ ધરી હતી. પોલીસે પાનના ગલ્લા પર ત્રણેય શખ્સોના નામો જાણી ફરિયાદ નોંધી હતી પરંતુ આ ત્રણેય શખ્સો પોલીસ પકડથી દુર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here