અમદાવાદ : ભારત વિકાસ પરિષદ, બોપલ શાખા દ્વારા રવિવારે સવારે મણિપુર ગામ, અમદાવાદ સ્થિત સેવા અકાદમી પ્રાંગણમાં એક ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ભારત વિકાસ પરિષદના સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે યોજાયો હતો, જેમાં શાખાના હોદ્દેદારો, સભ્યો અને તેમના પરિવારજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
વધુ માહિતી આપતા મીડિયા સંયોજક ડૉ રાજેશ ભોજક ને જણાવ્યું હતું કે આ કાર્યક્રમમાં આશરે 300 વૃક્ષોના રોપા વાવવામાં આવ્યા, જે બોપલ શાખાના સભ્યો દ્વારા સ્પોન્સર કરવામાં આવ્યા હતા. પર્યાવરણના જતન અને સંરક્ષણના ઉદ્દેશ્ય સાથે આયોજિત આ કાર્યક્રમમાં સૌએ સામૂહિક રીતે યોગદાન આપ્યું હતું.
આ કાર્યક્રમનું સંયોજન સતીશ ભાઈ ઠાકરે કર્યું હતું, જ્યારે સહ-સંયોજક તરીકે પ્રો. મયુરભાઈ વાંઝા, રવિભાઈ લાલચંદાની અને પંકજભાઈ વ્યાસે ફાળો આપ્યો હતો. પર્યાવરણ સંયોજક તરીકે રાજેશસિંહ પ્રજાપતિ, પ્રમુખ પ્રવીણભાઈ રાખોલીયા, મંત્રી નીરવભાઈ ભટ્ટ, ખજાનચી ભાવેશભાઈ ઠક્કર અને મહિલા સંયોજીકા શ્રીમતી પાયલબેન વ્યાસ સહિત અન્ય સભ્યોએ આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.