ભારતીય વિચાર મંચ, કર્ણાવતી દ્વારા “Demography, Democracy and Destiny” વિષય પર અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે વિચાર ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઓર્ગેનાઈઝર વીકલી નાં સંપાદક પ્રફુલ્લ કેતકર દ્વારા ડેમોગ્રાફી બદલાવવાના કારણે વર્તમાન સમયમાં ભારત સહિત સમગ્ર વિશ્વમાં અનુભવાઈ રહેલી અસર, તેમજ ભવિષ્યમાં લોકશાહી પર થનાર સંભવિત અસર પર પ્રકાશ પાડ્યો હતો, જેમાં તેમણે વૈશ્વિક ઇલેક્શન વર્ષ 2024 નો દાખલો આપ્યો, તેમાં ડેમોગ્રાફી બદલાવવાના કારણે બદલાયેલી મુદ્દાની ચર્ચા કરી. આ ઉપરાંત ભારતનો વસ્તી વધારો ખરેખરમાં બોજારૂપ છે કે નહીં, સરહદી વિસ્તારમાં અસંતુલિત રીતે બદલાઈ રહેલા ડેમોગ્રાફી, તેમજ આધુનિકતાની ખોખલી વ્યાખ્યા જેવા મુદ્દાઓ ઉદાહરણ સહ સમજાવ્યા હતા.
દેશમાં આયુષ્ય મર્યાદા, સુવિધાઓ, તેમજ વૃદ્ધિ અને શિક્ષણ દર વર્ષ 1970 પછીથી સુધરી રહ્યો હતો, તો પછી અચાનક વર્ષ 1970 પછી વસ્તી બોજારૂપ કેવી રીતે લાગવા લાગી? અને વસ્તી વધારો આશીર્વાદરૂપ છે કે બોજારૂપ તેની ચર્ચા ક્યાંથી શરૂ થઈ, જેવા ઓછા ચર્ચાતા મુદ્દા સાથે શ્રી કેતકરે પ્રબોધનની શરૂઆત કરી હતી. જેમાં “છોટા પરિવાર, સુખી પરિવાર” સૂત્ર સાથે જનસંખ્યા નિયંત્રણ સાથે વિભક્ત કુટુંબની શરૂઆત થવા લાગી.
વધુમાં તેમણે જણાવ્યું, 2024 નું વર્ષ વૈશ્વિક ઇલેક્શન વર્ષ રહ્યું જેમાં, 64 દેશ અને લોકશાહીમાં માનતી વિશ્વની કુલ 49% વસ્તીએ વોટ કર્યો. જેમાં બ્રિટેનના ઇલેક્શનનું વિશ્લેષણ કરતાં ઘટસ્ફોટ થયો કે, ડેમોગ્રાફી બદલાવવાના કારણે ઈલેક્શનનો નિર્ણાયક મુદ્દો બ્રિટેનના વિકાસના બદલે ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં કયો રાજકીય પક્ષ કોની સાથે ઉભો છે, તે રહ્યો. જેમાં પ્રો પેલેસ્ટાઈન નેતાઓ અને પક્ષ ચૂંટાયો, અને લાંબા સમય બાદ બ્રિટનમાં ફરી લેબર પક્ષની સરકાર બની. ત્યારબાદ તેમણે પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, દેશ આઝાદ થયો ત્યારે ત્યાં મુસ્લિમ વસ્તી 27% હતી અને સામાન્ય રીતે ત્યાં ઇલેક્શન સમયે બંગાળી અસ્મિતા અને આઉટસાઈડર જેવો મુદ્દો ચર્ચાતો હોય છે, પરંતુ મુસ્લિમ વસ્તી 66% થતાં છેલ્લા ઇલેક્શનમાં બંગાળના અધીરંજન ચૌધરીના બદલે ગુજરાતના યુસુફ પઠાણ ચૂંટાયા. અને કેતકરજીએ સવાલ કર્યો કે, ડેમોગ્રાફી જો લોકશાહીને અસર કરી રહી છે તો આપણે જનસંખ્યાને કેવી રીતે જોવી, એ નક્કી કરવાનો સમય આવી ગયો છે.