પાલનપુરઃ સરકાર દ્વારા સરકારી શાળાઓના મકાનો કરોડોના ખર્ચે બનાવવામાં આવે છે. પણ ભ્રષ્ટાચાર અને હલકી કક્ષાના બાંધકામને લીધે એક-બે વર્ષમાં શાળાના મકાનો જર્જરિત બની જતા હોય છે.  જિલ્લાના ભાભર તાલુકાના વજાપુરા જૂના ગામે નવનિર્મિત થયેલી પ્રાથમિક શાળાના બાંધકામમાં ભ્રષ્ટાચાર સામે આવ્યો છે. તાજેતરમાં આવેલા વરસાદી પાણીના કારણે શાળાના નવીન ઓરડાની દીવાલોમાં ચારે તરફથી તિરાડો પડી ગઇ છે. ભાભર તાલુકાના વજાપુરા નવા પ્રાથમિક શાળામાં એક વર્ષ અગાઉ સરકાર દ્વારા 50 લાખથી વધુના ખર્ચે ત્રણ ઓરડાઓ સાથે નવી ઇમારતનું બાંધકામ પૂર્ણ કરી દેવામાં આવ્યું હતું.

ભાભર તાલુકાના વજાપુર ગામે નવીન બનેલી શાળાના ઓરડાઓમાં એક મહિનાથી બાળકો અભ્યાસ કરે છે. શાળાના બિલ્ડિંગનું બાંધકામ એટલું હલકી ગુણવત્તાથી કરાયું છે કે, નવીન ઓરડાની તમામ દીવાલોમાં જ ચારેકોરથી તિરાડો પડી ગઈ છે. બીજી તરફ શાળામાં પાયાના આજુબાજુનો ભાગ પણ ધોવાઈ ગયો છે. અત્યારે આ બાંધકામને નજરે જોનારા પરથી કહી શકાય કે આ શાળાનું બાંધકામ કોન્ટ્રાક્ટર દ્વારા કેવા પ્રકારનું કરવામાં આવ્યું છે.

વજાપુર જૂના પ્રાથમિક શાળામાં 246 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે ત્યારે તેમના જીવને જોખમ ઉભુ થાય તેવું નબળી ગુણવત્તાના મટિરિયલનો ઉપયોગ કરી નબળું બાંધકામ કરવામાં આવતા વિસ્તારમાં ભારે રોષ ફેલાયો છે. આ બાબતે તાત્કાલિક તપાસ કરી કોન્ટ્રાક્ટર યોગ્ય પગલા લેવા લોકોની માંગ ઉઠવા પામી છે. જ્યારે શાળાના શિક્ષકોએ જણાવ્યું હતું કે, ઓરડાઓમાં તિરાડો પડી ગઇ હોઇ ઉચ્ચ કક્ષાએ જાણ પણ કરીશું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here