ભૂજઃ કચ્છમાં વાહન અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે અકસ્માતના ત્રણ બનાવો બન્યા હતા. જેમાં પ્રથમ બનાવમાં ભચાઉ-સામખિયાળી હાઈવે પર કેસરીગઢ રિસોર્ટ નજીક ડીઝલ ટેન્કરમાં આગ લાગી હતી  જ્યારે બીજા બનાવમાં ગાંધીધામમાં સૂતેલા યુવક પર ટ્રક ફરી વળ્યો હતો. તેમજ ત્રીજા બનાવમાં નલિયામાં કિશોર ટ્રેક્ટર નીચે આવી જતા મોત નિપજ્યુ હતુ.

પ્રથમ બનાવની વિગત એવી છે કે, ભચાઉ-સામખિયાળી હાઈવે પર કેસરીગઢ રિસોર્ટ નજીક ડીઝલ ટેન્કરમાં આગ લાગી હતી આ બનાવની જાણ થતાં જ ભચાઉ નગરપાલિકાની ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ટીમે લગભગ ત્રણ કલાક સુધી સતત પાણીનો મારો ચલાવીને આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. ફાયર ટીમની ત્વરિત કામગીરીને કારણે મોટું નુકસાન થતું અટકાવી શકાયું હતું. કચ્છ વિસ્તારમાં ખાનગી અને માલવાહક વાહનોમાં આગ લાગવાની ઘટનાઓ વારંવાર બને છે.

અકસ્માતના બીજા બનાવની વિગત એવી છે કે,  ગાંધીધામમાં એસ.ટી. બસ સ્ટેન્ડ નજીક આવેલા અપના પાર્કિંગમાં ચોકીદાર તરીકે કામ કરતા ઝુરા ગામના દિલુભા જાડેજાનું મોત થયું છે. વહેલી સવારે ટ્રક ટેન્કર GJ 12 AT 5921 વળાંક લેતી વખતે ખાટલામાં સૂતેલા દિલુભા પર ફરી વળ્યું હતું. ગંભીર ઈજાઓને કારણે રામબાગ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.

ત્રીજા બનાવની વિગતો એવી છે કે,  ​​​​​​​નલિયામાં 16 વર્ષીય પ્રહલાદસિંહ જાડેજાનું ટ્રેક્ટર નીચે કચડાવાથી મોત થયું છે. જખો રોડ પર ભગવતી પેટ્રોલ પંપ તરફ જતી વખતે ટ્રેક્ટર નંબર GJ-12-FD-2924માં સવાર પ્રહલાદસિંહ કૂતરું આવતા અચાનક બ્રેક મારતાં નીચે પડી ગયો હતો. ટ્રેક્ટરના ટાયર નીચે આવી જવાથી માથામાં ગંભીર ઈજાને કારણે તેનું મોત નિપજ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here