ભૂજઃ ભચાઉ શહેરમાં ટેમ્પામાંથી નમકીનનો સામાન કરી રહેલા ટેમ્પાચાલક અને વેપારીને ત્રણ શખસોએ બાઈક પર આવીને છરી બતાવીને ધમકી આપીને એક લાખથી વધુની રોકડની લૂંટ કરી હતી, લૂંટ બાદ લૂંટારૂ શખસો બાઈક પર ફરાર થઈ ગયા હતા. આ બનાવની પોલીસને જાણ કરાતા પોલીસે ગણતરીના કલાકોમાં લૂંટનો ભેદ ઉકેલીને લૂંચારૂ ત્રણ શખસોની મુદ્દામાસ સાથે ધરપકડ કરી છે.
આ બનાવની વિગતો એવી છે કે, ભચાઉમાં ગત તા. 11ની રાત્રે 8 વાગ્યાના સુમારે મુસ્તાક સુલતાનભાઈ ખલીફા (ઉ.વ. 21, રહે. ગણેશનગર, કુડા-જામપર) છોટા હાથીમાંથી નમકીનના બોક્સ બીજી ગાડીમાં ટ્રાન્સફર કરી રહ્યા હતા. આ દરમિયાન બે અજાણ્યા શખ્સો મોટરસાઇકલ પર આવ્યા હતા. તેમાંથી એક શખ્સે છરી બતાવી ફરિયાદીના ગળામાં પહેરેલો કાળા કલરનો થેલો ઝૂંટવી લીધો હતો. થેલામાં રૂ. 1,07,100ની રોકડ હતી. લૂંટ બાદ લૂંટારૂ શખસો ફરાર થઈ ગયા હતા, આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.
ભચાઉ પીઆઇ એ.એ. જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ તપાસ્યા અને બાતમીદારોને સક્રિય કર્યા હતા. આ તપાસમાં ત્રણ આરોપીઓ સુરેશ ઉર્ફે સુરો ધીંગાભાઈ કોળી (ઉ.વ. 20), મયુર લાખાભાઈ કોળી (ઉ.વ. 23) બંને રહે. કોલીયાસરી વિસ્તાર, ભચાઉ અને રામ ઉર્ફે રામુ બાબુભાઈ મણકા (ઉ.વ. 23, રહે. હિંમતપુરા વિસ્તાર, ભચાઉ)ની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપીઓ પાસેથી લૂંટમાં ગયેલા રૂ. 1,07,100 અને ગુનામાં વપરાયેલી GJ 12 DC 0502 નંબરની મોટરસાઇકલ (કિંમત રૂ. 30,000) મળી કુલ રૂ. 1,37,100નો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.