અમદાવાદઃ બ્રહ્માકુમારી સંસ્થાના મુખ્ય પ્રશાસક દીદી રતન મોહિનીએ અમદાવાદમાં ઝાયડસ હોસ્પિટલમાં 101 વર્ષની ઉંમરે ગઈ મોડી રાત્રે 1.20 કલાકે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધનથી બ્રહ્માકૂમારીઝના અનુયાયીઓમાં શોક વ્યાપી ગયો હતો. સ્વર્ગસ્થના પાર્થિવ શરીરને આજે રાજસ્થાનના આબુ રોડ સ્થિત બ્રહ્માકુમારીના મુખ્યાલય શાંતિવન લઈ જવાયો હતો, જ્યાં અંતિમ દર્શન માટે રાખવામાં આવશે.

વર્ષ 1925માં જન્મેલા દાદી 12 વર્ષની ઉંમરે બ્રહ્મા કુમારી સંસ્થા સાથે જોડાયા હતા. દાદીની રૂચિ બાળપણથી આધ્યાત્મમાં હતી. આ કારણે તેમણે લાંબા સમય સુધી સંસ્થાની સેવા કરી હતી. પોતાની સક્રિયતાને કારણે તેમણે સંસ્થાની સ્થાપનામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેઓ સંસ્થામાં સક્રિય રહ્યાં હતા. તેમણે ઘણી યાત્રાઓ પણ કરી હતી. કહેવામાં આવે છે કે વર્ષ 1985 અને 2006માં કુલ 70 હજાર કિલોમીટરથી વધુની યાત્રા ચાલીને કરી અને ભારતીય સંસ્કૃતિ તથા મૂલ્યોનો પ્રચાર કર્યો હતો. વર્ષ 1937માં બ્રહ્મા કુમારીની સ્થાપનાથી લઈને અત્યાર સુધી એટલે કે આશરે 87 વર્ષ બ્રહ્માકૂમારીઝ સંસ્થા માટે કામ કર્યું હતું. આશરે 40 વર્ષ સુધી તેઓ યુવા પ્રભાગના અધ્યક્ષ રહ્યાં હતા. દાદી વર્ષ 1937થી 1969 સુધી બ્રહ્મા બાબાના અવ્યક્ત થવા સુધી આશરે 31 વર્ષ તેમની સાથે રહ્યાં હતા. દાદીના નેતૃત્વમાં વર્ષ 1985મા ભારત એકતા યુવા યાત્રા કાઢવામાં આવી હતી. જેમાં 12550 કિમી જેટલું અંતર કાપવામાં આવ્યું હતું. યાત્રામાં તત્કાલીન રાષ્ટ્રપતિ જ્ઞાની જૈલ સિંહ પણ સામેલ થયા હતા. દાદીના નિધનથી તેમના બહોળી સંખ્યામાં અનુયાયીઓએ શોક વ્યક્ત કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here