પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લામાં નર્મદા કેનાલથી સિંચાઈનો લાભ મળતા કૃષિ ઉત્પાદનમાં વધારો થયો છે. તેથી જિલ્લાના ખેડુતોની આવક પણ વધી છે. જિલ્લાના સરહદી વિસ્તારમાં દર વર્ષે શિયાળુ સીઝન દરમિયાન કેનાલ મારફતે પિયત કરવા માટે પાણી આપવામાં આવે છે. ખેડૂતો કેનાલના પાણી મારફતે જીરૂ, ઇસબગુલ, એરંડા, વરિયાળી, રાયડો જેવા પાકોનું વાવેતર કરે છે. પરંતુ આગામી 15 માર્ચથી કેનાલોમાં નર્મદા નિગમ દ્વારા પાણી બંધ કરવાની જાહેરાત થતાં ખેડૂતો તેમજ પશુપાલકો ચિંતામાં મુકાયા છે. જોકે નર્મદા નિગમના અધિકારીઓના કહેવા મુજબ કેનાલમાં મરામતનું કામ કરવાનું હોવાથી 15મી માર્ચથી કેનાલમાં પાણી છોડવાનું બંધ કરવામાં આવશે.

બનાસકાંઠાના સરહદી વિસ્તારની કેનાલમાં આગામી 15 માર્ચના રોજ પાણી બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ અંગે વાવ તાલુકા કોંગ્રેસના અગ્રણી ઠાકરશીભાઈ રબારી તેમજ ભારતીય કિસાન સંઘના પ્રમુખ હીરાજી ગોહિલ દ્વારા હજુ એક મહિનો સમય આપી પાણી બંધ કરવાની તારીખ વધારવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આ વર્ષે સરહદી પંથકમાં જીરાના પાક પર સુકારા નામનો રોગ આવતા જીરાનો પાક સુકાઈ ગયો હતો અને ખેડૂતોને મોટું નુકસાન થયું હતું. આમ, જીરાનો પાક સુકાઈ જતા ખેડૂતો દ્વારા બાજરી અને જુવારનું વાવેતર કરવામાં આવ્યું છે. પરંતુ જો પાણી બંધ થશે તો બીજી વાર કરેલા વાવેતરને પૂરતા પ્રમાણમાં પિયત માટે પાણી ન મળતા ખેડૂતોને ફરી નુકસાન થવાની શક્યતા દેખાઈ રહી છે.

વાવ તાલુકા કોંગ્રેસ સમિતિના અગ્રણી ઠાકરશી રબારીએ જણાવ્યું હતું કે, ‘આગામી 15 માર્ચથી નર્મદા નહેરનું પાણી બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે. ખેડૂતોનું જ પાણી કાપવાની વાત કરવામાં આવે છે. તો પાણી કાપવું હોય તો ઉધ્યોગપતિઓનું કાપો ખેડૂતો અને પશુપાલકોને કેમ હેરાન કરો છો?’ ‘ખેતરમાં રવિ સીઝનમાં વાવેતર કરેલો પાક હજુ પાક્યો નથી, જેથી 30 એપ્રિલ સુધી કેનાલોમાં પાણી ચાલુ રાખવામાં આવે તેવી માંગણી છે.’ દરમિયાન ભારતીય કિસાન સંઘના પ્રમુખ હીરાજી વી. ગોહિલે વાવ, થરાદ, સુઈગામ, ભાભર સહિતના વિસ્તારોમાં નર્મદા નહેરનું પાણી જે 15 માર્ચથી બંધ કરવામાં આવશે જેની જાહેરાત થતાં જ, હજુ એક મહિનો પાણી લંબાવવામાં આવે તેવી માંગ કરી છે. તેમણે જણાવ્યું કે, ‘આ વખતે ઘાસચારાનો ભાવ વધ્યો છે. 25 થી 30 રૂપિયા આપવા છતાં ઘાસના પુળા કે ઘાસ મળતું નથી. જો પાણી ચાલુ રાખવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવું પડશે.’

આ બાબતે નર્મદા વિભાગના અધિકારી એચ.કે. રાઠોડ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું કે, ‘દર વર્ષે સામાન્ય રીતે 15 માર્ચથી પાણી બંધ કરવામાં આવે છે. 15 માર્ચથી પાણી બંધ કર્યા બાદ ચાર-પાંચ મહિના માટે કેનાલનું રીપેરીંગ કે બીજું કોઈ કામ કરવાનું હોય તો અમે પાણી બંધ કર્યા પછી જ જોઈ શકીએ છીએ. ઉપરાંત કેનાલમાં રીપેરીંગ કામ કરવું છે જેથી પાણી બંધ કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here