ગાંધીનગરઃ ગુજરાત સરકારે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને થરાદ-વાવનો નવો જિલ્લો બનાવવાનો નિર્ણય કર્યો છે. હાલ બનાસકાંઠા ગુજરાતમાં બીજા નંબરનો મોટો જિલ્લો છે, વિભાજન થતાં બનાસકાંઠા નાનો જિલ્લો બની જશે. બનાસકાંઠાનું વિભાજન કરીને થરાદ-વાવ નવો જિલ્લો બનશે. જિલ્લાનું મુખ્ય મથક થરાદમાં રહેશે.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં ઉત્તર ગુજરાતને 2025ના વર્ષના પ્રથમ દિવસે નવા જિલ્લાની ભેટ રૂપે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને બે જિલ્લા બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠા જિલ્લાના વિવિધ પદાધિકારીઓ અને પ્રજાજનોની વર્ષો જુની માંગણી સકારાત્મક પ્રતિસાદ સાથે સંતોષતા  હાલના બનાસકાંઠા જિલ્લામાંથી નવો વાવ-થરાદ જિલ્લો બનાવવાની જાહેરાત કરી છે. હાલનો બનાસકાંઠા જિલ્લો રાજયમાં તાલુકાઓની સંખ્યાની દ્રષ્ટિએ સૌથી વધુ 14 તાલુકાઓ ધરાવે છે એટલું જ નહી વિસ્તારની દ્રષ્ટિએ પણ બીજા ક્રમનો જિલ્લો છે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે વસ્તી, વિસ્તાર અને તાલુકાઓનું ભારણ ઘટે અને લોકોને સરકારી સવલતો વધુ સુગમતાથી મળી રહે તે માટે  વિશાળ જનહિતમાં આ બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને બે જિલ્લાઓ વાવ-થરાદ અને બનાસકાંઠા નામે બનશે.

રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી  ઋષિકેશ પટેલે બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ નવા રચાનારા વાવ-થરાદ જિલ્લા અંગેની વિગતો આપતા કહ્યું કે,  હાલ આ જિલ્લાના 14 તાલુકાઓમાંથી નવા બનનારા વાવ-થરાદ જિલ્લામાં વાવ, ભાભર, થરાદ, ધાનેરા, સૂઈગામ, લાખણી, દિયોદર અને કાંકરેજ એમ કુલ 8 તાલુકાઓ તેમજ ભાભર, થરાદ, થરા અને ધાનેરા એમ ચાર નગરપાલિકાઓનો સમાવેશ થશે. જ્યારે બનાસકાંઠા જિલ્લામાં બાકીના 6 તાલુકાઓ પાલનપુર, દાંતા, અમીરગઢ, દાંતીવાડા, વડગામ અને ડીસા એમ કુલ 6 તાલુકાઓ તેમજ પાલનપુર અને ડીસા એમ બે નગરપાલિકાઓનો સમાવેશ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here